ઓક્ટોબરમાં ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે
શુક્રવાર, 24 મે 2019 (12:50 IST)
આ લોકસભા ચૂંટણીમાં ભાજપે 26 લોકસભા બેઠકમાંથી મંત્રી પરબત પટેલ સહિત 4 ધારાસભ્યોને ચૂંટણી લડાવી હતી. આ ચારેય ધારાસભ્યો એવા પરબત પટેલ બનાસકાંઠાથી, રતનસિંહ રાઠોડ પંચમહાલથી, ભરતસિંહ ડાભી પાટણથી અને એચ.એસ.પટેલ અમદાવાદ(પૂર્વ)થી વિજયી થયા છે. ભાજપના આ ચાર ધારાસભ્યો હવે સાંસદ બની ગયા હોવાથી તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવું પડશે. જેને પગલે 2017 બાદ ત્રીજીવાર ઓક્ટોબરમાં 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણી થરાદ, અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા વિધાનસભા બેઠક પર થશે.કુંવરજીના આગમન પછી વિધાનસભામાં માંડ 1૦૦ના આંકડે પહોંચેલો ભાજપ પબુભા માણેકનું સભ્યપદ રદ્દ થતા વર્ષ 2017ની મૂળ સ્થિતિ 99એ પહોંચ્યો હતો. જો કે, લોકસભાની સાથે સાથે ચાર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય થતાં ભાજપનું સંખ્યા બળ 103 પર પહોંચ્યું છે. તો બીજી તરફ ભાજપના ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા આવનારા બે સપ્તાહમાં ફરીથી ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99 થઈ જશે. 15મી વિધાનસભાની રચના થયાના 16 મહિનામાં કુંવરજીથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપતા 77 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ 72ના આંકડે પહોંચી છે. જ્યારે હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરી છે, તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેની સાથે સાથે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ પણ જોખમમાં છે. જો આ ત્રણ ધારાસભ્યોનું સભ્યપદ જાય તો રાજ્યમાં કુલ 7 વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-99, કોંગ્રેસ-77, એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. ત્યાર બાદ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા માત્ર એક વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ગત ફેબ્રુઆરીમાં ઉંઝામાંથી આશા પટેલે રાજીનામું આપ્યું અને માર્ચમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને જામનગર(ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામાં આપી દેતા લોકસભાની સાથે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠકો પર ભાજપનો વિજય થયો છે.