માતાએ પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી હોવાની શંકા

સોમવાર, 9 મે 2022 (13:19 IST)
કોરોનાકાળ પછી લોકોને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  એવુ લાગે છે કે લોકો પાસે હવે ફરી બેઠા થવાની હિમંત નથી રહી તેથી આત્મહત્યા કરવાના કેસ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં ક્રાઇમ રેટ વધી ગયો છે. ત્યારે સુરતના તાપીમાં મઘર્સ ડેના દિવસે કરુણાંતિક સર્જાઇ હતી. સુરતમાં એક જ પરિવારમાં એવી ઘટના બની કે પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યું.  તાપી નદીમાંથી માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઇ.
 
સુરતના ડચ ગાર્ડન પાસેથી તાપી નદીમાંથી માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો. રવિવારે સાંજે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ ડિકમ્પોઝ્ડ થયેલી હાલતમાં મળી આવ્યા હતા. ચાર દિવસ પહેલા માતા- પુત્રીએ નદીમાં આપઘાત કર્યો હોવાની શંકા સેવાઇ છે. હાલ પોલીસ દ્વારા બંનેના સેમ્પલ લઇને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાછે. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 
 
આ ઘટનાથી પરિવાર ભાંગી પડ્યો છે.  વહુ અને પૌત્રીના મોતના સમાચાર સાંભળીને સાસુ આઘાતમાં સરી પડ્યા હતા.  સાસુએ ઘરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  જો કે ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે કે મહિલાનો પતિ ઈલેક્ટ્રીશિયન છે. કોરોના કાળમાં 7થી8 લાખ રુપિયાનું દેવુ થઇ ગયું હતું.  દેવુ ભરપાઇ કરવા માટે જમીન વેચવા કાઢી હતી જેનાથી નારાજ પત્નીએ 18 મહિનાની પુત્રી સાથે તાપી નદીમાં મોત ને વ્હાલુ કર્યુ. જાણવા મળ્યુ છે કે આ પરિવાર મૂળ મહારષ્ટ્રનો છે અને સૂરતના ડિડોલી વિસ્તાર રહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર