ગુજરાતમાં 40% બાળકો તેમના ભવિષ્યના શિક્ષણ અંગે ચિંતિતઃ ક્વેસ્ટ એલાયેન્સ અભ્યાસમાં ખુલાસો

સોમવાર, 9 મે 2022 (13:03 IST)
આજીવિકા, શિક્ષણ અને પોષણ એ કોવિડ-19 વૈશ્વિક રોગચાળા દ્વારા ત્રણ સૌથી વધુ પ્રભાવિત થયેલા પરિબળો છે. ક્વેસ્ટ એલાયેન્સ દ્વારા ગુજરાત સહિતના ભારતના 10 રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા કોવિડ સેન્સ ચેક નામના વ્યાપક અભ્યાસમાં જાહેર થયું છે કે, રાજ્યમાં 40% બાળકો તેમના ભવિષ્યના શિક્ષણ અંગે ચિંતિત છે. આ અભ્યાસનો હેતુ કોવિડ-19ની બીજી લહેરનો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર પડેલા પ્રભાવને સમજવાનો અને તેને રેખાંકિત કરવાનો હતો તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓના 4,184 વિદ્યાર્થીઓ સહિત ભારતની સરકારી શાળાઓમાં ભણતા 22,000 વિદ્યાર્થીઓની વચ્ચે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
 
આ અભ્યાસના કેટલાક મુખ્ય તારણોમાં ઉજાગર થયાં મુજબ, કોવિડ-19ની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં 49% બાળકોએ તેમના ઓછામાં ઓછા એક નિકટના પરિજન ગુમાવ્યાં છે, જ્યારે આ સંદર્ભમાં ભારતની સરેરાશ રાષ્ટ્રીય ટકાવારી 10.4% છે. આ બાળકોએ ઘરના કમાણી કરનારા સભ્ય ગુમાવ્યાં હોવાથી તેમણે આજીવિકા પણ ગુમાવી દીધી હોવાનું આ અભ્યાસમાં જાણવા મળ્યું છે.
 
શુક્રવાર-6 મે, 2022ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) ખાતે યોજવામાં આવેલા ક્વેસ્ટ2લર્ન શિખરસંમેલન દરમિયાન ક્વેસ્ટ એલાયેન્સના સેકન્ડરી સ્કુલ્સ પ્રોગ્રામના ડિરેક્ટર નેહા પાર્થીએ જણાવ્યું હતું કે, ‘ઘરના કમાણી કરનારા સભ્યને ગુમાવી દેવાથી ઘરની આવક પર તેનો સ્પષ્ટ પ્રભાવ પડે છે, જેના પગલે વિદ્યાર્થીનું શિક્ષણ, કૌટુંબિક આવક અને પોષણનું સ્તર પણ પ્રભાવિત થાય છે. આર્થિક સંકડામણ અથવા તો મજબૂરીને કારણે કરવા પડેલા સ્થળાંતરને લીધે છોકરીઓ અને છોકરાઓ સહિત 40% બાળકો તેમના ભવિષ્યના શિક્ષણ અંગે ચિંતિત છે.’
 
આ અભ્યાસના વધુ એક ચોંકાવનારા તારણમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં 12% બાળકોએ તેમના પરિવારોની આજીવિકા ગુમાવી દીધી હોવાથી પૌષ્ટિક આહાર આરોગવાનું ઘટાડી દીધું છે. જોકે, ગુજરાતમાં આ આંકડો 29% જેટલો ઊંચો છે. સુશ્રી નેહા પાર્થીએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓએ દાળ, ભાત, શાકભાજી, કઠોળ, ઇંડા, માંસ, માછલીનું પ્રોટીન અને દૂધનું સેવન ઘટાડી દીધું છે, જેના કારણે તેમના આરોગ્ય અને પોષણ પર સ્પષ્ટ પ્રભાવ પડ્યો છે. એટલું જ નહીં, આ અભ્યાસ મુજબ, ગુજરાતમાં લગભગ 45% જેટલા વિદ્યાર્થીઓ માનસિક આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે, જેમ કે, હતાશા અને વ્યગ્રતા, જે અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી વધારે છે.’
 
આ શિખરસંમેલન દરમિયાન ક્વેસ્ટ એલાયેન્સ દ્વારા વ્યાપક ગુણાત્મક અને માત્રાત્મક અભ્યાસો પર આધાર રાખીને હાથ ધરવામાં આવેલા વધુ બે રીપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં, જેમના નામ છેઃ ‘પાથવેઝ ટુ વર્ક મેપિંગ એજ્યુકેશન, સ્કિલ્સ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટુ લેબર માર્કેટ ડીમાન્ડ’ અને ‘સબ્જેક્ટ-ચોઇસ ડિટર્મિનન્ટ્સ એન્ડ કરિયર એસ્પિરેશન્સ અમોંગ સેકન્ડરી સ્કુલ સ્ટુડેન્ટ્સ ઇન ગુજરાત’. પાથવેઝ ટુ વર્ક નામના રીપોર્ટમાં આઇટીઆઈના ગ્રેજ્યુએટ્સમાં કૌશલ્યના અંતરાલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જે તેમની રોજગારક્ષમતાને આડે રહેલો અવરોધ છે, જ્યારે સબ્જેક્ટ ચોઇસ ડિટર્મિનન્ટ્સ નામના અભ્યાસમાં વિવિધ સ્થળો પર આધાર રાખી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તથા વિદ્યાર્થીઓના નિર્ણયને પ્રભાવિત કરનારા પરિબળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. આ પ્રત્યેક રીપોર્ટ પરનું વિગતવાર પરિપ્રેક્ષ્ય અહીં નીચે મુજબ છે.
 
‘પાથવેઝ ટુ વર્ક મેપિંગ એજ્યુકેશન, સ્કિલ્સ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટુ લેબર માર્કેટ ડીમાન્ડ’
જ્યારે સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર રોજગારની રચના કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે ત્યારે કૌશલ્યમાં વધતો જઈ રહેલો અંતરાલ એ ભારતમાં રોજગારની સંખ્યાને સુધારવાની આડે રહેલો એક મોટો અવરોધ છે. ક્વેસ્ટ એલાયેન્સ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા રીપોર્ટ ‘પાથવેઝ ટુ વર્ક મેપિંગ એજ્યુકેશન, સ્કિલ્સ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટુ લેબર માર્કેટ ડીમાન્ડ’નું આ પ્રમુખ તારણ છે.
 
ફ્યુચર રાઇટ્સ સ્કિલ નેટવર્ક (એફઆરએસએન) દ્વારા આ અભ્યાસને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું તથા ક્વેસ્ટ એલાયેન્સની સાથેની સહભાગીદારીમાં જસ્ટ જૉબ્સ નેટવર્ક (જેજેએન) દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં ભારતની વર્તમાન કૌશલ્ય તાલીમ ઇકોસિસ્ટમનું વિહંગાવલોકન પૂરું પાડવામાં આવ્યું, પડકારોનું વર્ણન કરવામાં આવ્યું છે તથા ધરમૂળથી સુધારાઓની તાત્કાલિક જરૂરિયાત હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમાં શ્રમ બજારની માંગનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેથી કરીને કૌશલ્યની તાલીમને વ્યવસાયોની જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય.
 
આ અભ્યાસમાં ટાંકવામાં આવેલા ગૌણ ડેટા મુજબ, વૈશ્વિક રોગચાળા પૂર્વે યુવાનોની બેરોજગારી 17.3% હતી, જે પુખ્ત વયના લોકોના દરથી ત્રણ ગણી વધારે હતી. આ યુવાનોમાં પણ 15થી 29 વર્ષના યુવાનોમાં બેરોજગારી સૌથી વધારે (25.5%) હતી, જેના પછી 20થી 24 વર્ષના યુવાનો (23.7%)નો ક્રમ આવે છે અને આખરે 25-29 વર્ષની વયજૂથના યુવાનો (10.7%) છે.
 
જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આઇટીઆઈમાં ભરતીની ટકાવારી પ્રમાણમાં સ્થિર રહી છે, વર્ષ 2020માં ભરતીમાં 4 પર્સન્ટેજ પોઇન્ટનો વધારો (21.87%) થયો હતો. જોકે, વર્ષ 2021માં ભરતીની ટકાવારી થોડી ઘટીને 19.48% નોંધાઈ હતી. (સ્રોતઃ 107 આઇટીઆઈમાંથી ક્વેસ્ટ એલાયેન્સનો પ્લેસમેન્ટનો ડેટા)
 
ભરતીની સ્થિર ટકાવારીને સરકારી આઇટીઆઈમાં ભરતીમાં થયેલા ઘટાડાના સંદર્ભમાં જોવી જોઇએ. વર્ષ 2020માં સરકારી આઇટીઆઈમાં ભરતી 74% હતી, જે વર્ષ 2021માં ઘટીને 54% થઈ ગઈ હતી, જે સૂચવે છે કે, વાસ્તવમાં રોજગાર પ્રભાવિત થયો હોઈ શકે છે.
 
ક્વેસ્ટ એલાયેન્સના સીઇઓ આકાશ શેઠીએ જણાવ્યું હતું કે, ‘રોજગારનું સર્જન એ વર્તમાન સમયની જરૂરિયાત છે પરંતુ એટલું જ મહત્ત્વનું એ પણ છે કે, રોજગારના સતત બદલાઈ રહેલા પરિદ્રશ્યમાં આપણે કેવી રીતે યુવાનોને સક્ષમ રહેવા માટે તૈયાર કરીએ છીએ. આપણે તેમને ઉદ્યોગજગતની વર્તમાન તેમજ ઉભરી રહેલી જરૂરિયાતોને પૂરી કરી શકે તેવા શિક્ષણ અને કૌશલ્યો પૂરાં પાડવા જોઇએ. યુવાનો માટે વાસ્તવિક દુનિયાના અનુભવ મેળવવા તથા જીવનને એક હેતુ અને સંતુષ્ટી પૂરાં પાડે તેવી કારકિર્દી બનાવવા પોતાના રસના વિષયોને ઓળખી કાઢવા અનિવાર્ય બની ગયું છે. શિક્ષણ અને કૌશલ્યો યુવાનોને તેમના જીવન અને કારકિર્દીના નિર્ણયોને નિયંત્રિત કરવા માટે તેમનું સશક્તિકરણ કરતાં હોવા જોઇએ.’
 
વધુમાં, ગુજરાતમાં જે કેટલાક નિયોક્તાઓનો જેજેએનએ ઇન્ટરવ્યૂ લીધો તેમણે જણાવ્યું કે, આઇટીઆઈ સાથે તેમનો સંવાદ ખૂબ જ નહિવત્ થાય છે અથવા જરાયે થતો નથી. તેના પરિણામસ્વરૂપ, નિયોક્તાઓને જે કૌશલ્યોની માંગ છે, તેની સાથે કૌશલ્યની તાલીમના વિષયવસ્તુનો મેળ ખાતો નથી. માર્કેટની બદલાતી પરિસ્થિતિઓ સાથે તાલમેલ સાધવાની અને આ પરિસ્થિતિઓને અનુરૂપ અભ્યાસક્રમને અપનાવવાની આઇટીઆઈની અક્ષમતાને પગલે શ્રમની માંગ અને પુરવઠાની વચ્ચે વધારે અસંતુલન પેદા થઈ રહ્યું છે.
 
જોકે, વૈશ્વિક રોગચાળા બાદ જમીની હકિકતો બદલાઈ રહી છે અને ગુજરાતમાં નિયોક્તાઓ જણાવે છે કે, તેમણે યુવાનો માટેના ચાવીરૂપ કૌશલ્યો તરીકે અનુકૂલનક્ષમતાને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે. આ ઝડપથી આવી રહેલા પરિવર્તનને પગલે કૌશલ્ય તાલીમ આપતી સંસ્થાઓ રોજગારીના વિકસી રહેલા બજારની સાથે સતત અનુકૂલન સાધે તે જરૂરી બની જાય છે.
 
ગુજરાતમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વિષયની પસંદગીની પ્રાથમિકતાઓ
‘સબ્જેક્ટ-ચોઇસ ડિટર્મિનન્ટ્સ એન્ડ કરિયર એસ્પિરેશન્સ એમોન્ગ સેકન્ડરી સ્કુલ સ્ટુડેન્ટ્સ ઇન ગુજરાત’ નામના રીપોર્ટમાં વિવિધ સ્થળો પર આધાર રાખીને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમના નિર્ણયને પ્રભાવિત કરનારા પરિબળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. આ અભ્યાસ કચ્છ, મોરબી, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યો હતો.
 
આ અભ્યાસ મુજબ, ‘સરવેમાં સામેલ કરવામાં આવેલા વિદ્યાર્થીઓમાંથી 49% વિદ્યાર્થી વિજ્ઞાન અને વાણિજ્યના વિષયોનું સંયોજન લેવા માંગતા હતા. સામાજિક વિજ્ઞાન (44%) અને વાણિજ્ય (26%)માં વિદ્યાર્થિનીઓનો ગુણોત્તર વધારે હતો, જ્યારે વિજ્ઞાન (37.5%)માં વિદ્યાર્થીઓનો ગુણોત્તર વધારે હતો.’
 
આ અભ્યાસના કેટલાક રસપ્રદ તારણોમાંથી એક એ છે કે, શિક્ષણના સ્થળથી અંતર, વિષયની સમજ, ઘરકામનું આયોજન અને વર્ગકાર્ય તથા રોજગારીની તકો એ વિદ્યાર્થીઓને વિષયની પસંદગી કરવા માટે દોરનારા કેટલાક મુખ્ય પરિબળો હતા. આ પ્રત્યેકનું મૂલ્ય ઓછા મહત્ત્વના ઘરકામને મેનેજ કરવાની ક્ષમતા અથવા વિજ્ઞાનની તેમની પસંદગીને નિર્ધારિત નહીં કરનારા પરિબળની સાથે વિવિધ પ્રવાહોની વચ્ચે અલગ-અલગ હતું. વધુમાં, આ અભ્યાસે પોતાની પસંદગીના વિષયો પર વાલીઓની સાથે વાટાઘાટ કરવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર પરિવારની અંદરના પ્રેરણાસ્રોતોના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
 
ક્વેસ્ટ એલાયેન્સના સેકન્ડરી સ્કુલ્સ પ્રોગ્રામના ડિરેક્ટર સુશ્રી નેહા પાર્થીએ જણાવ્યું હતું કે, ‘શાળાઓ વાલીઓની સાથે પ્રેરણાસ્રોતો સંબંધિત વાતચીતને સુવિધાજનક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. સરકારી શાળાઓ સાથેની અમારી કામગીરીએ દર્શાવ્યું છે કે, વિદ્યાર્થિનીઓને આ પ્રકારની વાતચીતથી લાભ થાય છે અને પોતાની પસંદગીઓ પર વધુ સારી રીતે વાટાઘાટ કરવા માટે એક માધ્યમ વિકસાવવા માટે તેઓ સક્ષમ છે.’

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર