ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલમાં લેવાશે

શનિવાર, 15 જૂન 2024 (17:59 IST)
ધોરણ 9 અને 11માં વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થનાર વિદ્યાર્થીને વર્ગ બઢતી મળતી નહોતી. જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડતું હતું. આ અંગે શિક્ષણ બોર્ડને અનેક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈને બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરીવાર પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓને આગળના ધોરણ માટે વર્ગ બઢતી મળશે.
 
પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગ બઢતી અપાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે પરિપત્ર કર્યો છે કે, ધોરણ 9 અને 11માં વર્ગ બઢતીના નિયમમાં પુનઃપરીક્ષાની જોગવાઈ નથી. પરંતુ અનેક વાલીઓની રજૂઆત મળી છે જેના પગલે ધોરણ 9 અને 12માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષા યોજાશે. જે વર્ષના વાર્ષિક પરીક્ષામાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીની નવા શૈક્ષણિક વર્ષમાં શરૂઆતના 15 દિવસમાં જ સ્કૂલ કક્ષાએ જ પરીક્ષા લેવાની રહેશે. પુનઃ પરીક્ષાના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવાની રહેશે.
 
આજથી પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે
ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા 24 જૂનથી શરૂ થવાની છે. આ વર્ષે વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. સ્કૂલ દ્વારા આજથી પૂરક પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. સ્કૂલોએ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર