અમદાવાદમાં સોનીને વાતોમાં ભોળવીને ગઠિયો 4.29 લાખની કિંમતના ત્રણ મંગળસુત્ર ચોરી ગયો

સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (15:01 IST)
અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં જઈને દાગીના જોવાના નામે નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. શહેરના સાબરમતિ વિસ્તારમાં એક સોનીની દુકાનમાં દાગીના ખરીદવાના બહાને આવેલા શખ્સે દુકાનના માલિકની નજર ચૂકવીને 4.29 લાખના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે તારાચંદ સોની સાબરમતિ વિસ્તારમાં રામનગર ચોક ખોડિયાર માતાજીના મંદિરની માજુમાં જ્વેલર્સની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે એક ટોપી પહેરેલો માણસ દુકાનમાં આવ્યો હતો. તેણે મને ચાંદીની લગડી લેવી છે તેમ જણાવી મારી પાસેથી 1100માં એક ચાંદીની લગડી લીધેલ હતી અને ત્યારબાદ તેણે મને સોનાના મંગલસુત્ર બતાવો તેમ જણાવતા મે તેને સોનાના ત્રણ મંગળસુત્ર બતાવ્યા હતા. ત્યારબાદ તેણે ત્રણેય મંગળસુત્ર સાઈડમા મુકવા કહીને પોતે થો ડીવારમાં પૈસા લઈને આવીને મંગળસુત્ર લઈ જશે તેવુ કહ્યું હતું. તેણે મને 2000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા. જે પૈસા મે મંગલસુત્ર સાથે ડબ્બામાં મુક્યા હતા. ત્યારબાદ તેણે મને હુ બહાર જઈને પૈસા લઈને આવુ તેમ કહીને જતો રહ્યો હતો. ત્યાર બાદ મેં ડબ્બામાં ચેક કરતા પૈસા હતા પરંતુ મંગળસુત્ર નહોતા.તેણે મને વાતોમા ભોળવીને મારી નજર ચુકવી ડબ્બામાં મુકેલ ત્રણ મંગલસુત્ર ચોરી કરી છે. જે મંગળસુત્ર ત્રણ પીસના કલકત્તી ડિઝાઈનના પેંડલ વાળા હતા અને 916 હોલમાર્ક વાળા હતા. 4.29 લાખની કિંમતના ત્રણેય મંગળ સુત્ર 78 ગ્રામ વજનના હતા. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર