લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા વચ્ચે અગમ્ય કારણોસર અગાઉ બોલાચાલી થઈ હતી.એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા સહિતના લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. વિજય સુવાળા સહિત આઠ આરોપી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે વિજય સુવાળાને નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા. ચાર આરોપી જે પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે, તેને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે.
દિનેશનો સંપર્ક લોકગાયક વિજય સુવાળા સાથે થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મૂળ ગાંધીનગરના કલોલ તાલુકાના અડીસણા ગામનો રહેવાસી છે અને ભાજપના નેતા છે. સાત વર્ષ પહેલાં દિનેશનો સંપર્ક લોકગાયક વિજય સુવાળા સાથે થયો હતો.વર્ષ 2020માં વિજય સુવાળ અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું હતું જેના કારણે તેણે મિત્રતાનો સંપર્ક તોડી નાંખ્યો હતો. ગત જુલાઈ મહિનામાં દિનેશને વિજય સુવાળાએ ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ વારંવાર ફોન કરીને ધમકીઓ આપે રાખી હતી.
પોલીસે વિજય સહિત 50થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
દિનેશના પિતરાઈ ભાઈ ચેતને તેને ફોન કરીને કહ્યું હતું કે, મારા ઉપર બે શખ્સોના ફોન આવ્યા હતા અને દિનેશ ક્યાં છે? તેને જાનથી મારી નાખવાનો છે એમ કહેતા હતા. ત્યાર બાદ જય દેસાઈએ દિનેશને ફોન કર્યો હતો કે, ઓઢવ રિંગ રોડથી 20થી વધુ કાર અને 10થી વધુ બાઇક પર બેસીને લોકો આપણા ઘર તરફ આવી રહ્યા છે. આ ફોન બાદ દિનેશ તેના પિતાની ઓફિસે પહોંચી ગયો હતો. દિનેશ પર હુમલો થાય તે દહેશતથી તેણે ભાગીદાર તેમજ જય સાથે મળીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઓઢવ પોલીસે વિજય સહિત 50થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હવે ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.