કોવિશીલ્ડ પર શક્તિસિંહના પ્રહાર: વેક્સિન આપ્યા બાદ દેશમાં કોઈ ડેટા નથી રખાયો

બુધવાર, 1 મે 2024 (15:39 IST)
shakti singh gohil
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ. WHOના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ રસી અપાવી. જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ-એટેક અને કિડની ફેલ થાય છે.વેક્સિનની આડ અસર જોવા સમયની રાહ જોવાય તેવી સ્થિતિ નહોતી. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે WHOએ કહ્યું હતું કે, દરેક દેશ વેક્સિનની આડ અસર પર કાળજી અને રિપોર્ટ રાખે.વેક્સિન સર્ટિફિકેટ વિના કોઈ નીકળી ના શકે. WHOની સલાહ બાદ દરેક દેશોને વેક્સિનના પેરા મીટર અને મૃત્યુ થાય તો તેના ડેટા પણ રાખવા કહ્યું હતું. વેક્સિન આપ્યા બાદ આપણા દેશમાં કોઈ ડેટા નથી રાખવામાં આવ્યો. 
 
વેક્સિનની શોધ બહાર થઈ અને બની આપણા દેશમાં
તેમણે કહ્યું હતું કે, WHOએ 2023માં એક ઇમરજન્સી ગાઇડલાઈન જાહેર કરી, વેક્સિનની આડ અસરમાં બ્લડ ક્લોટિંગ, હાર્ટ-એટેક અને બ્રેન સ્ટ્રોક આવે છે. આ માર્ગદર્શિકા રિલીઝ થયા બાદ દેશમાં કોઈ ડેટા કલેક્ટ ના થયો, કે સરકારે કોઈ ચિંતા પણ ના કરી. વેક્સિનની શોધ બહાર થઈ અને બની આપણા દેશમાં. કોવિશિલ્ડ વેક્સિન લોકોને આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કોર્ટમાં આ કંપનીએ કહ્યું કે, અમારી વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી. હવે આજ કંપનીએ એફિડેવિટ પર સ્વીકાર્યું છે કે અમે જે વેક્સિન આપીએ છીએ એટલે TTS થાય છે. સાદી ભાષામાં લોહીના ગઠ્ઠા થવા લાગે છે. તે ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે તો હાર્ટ-એટેક આવે અને જો મગજ સુધી પહોંચે તો સ્ટ્રોક આવે છે. શક્તિસિંહે કહ્યું હતું કે, 2023માં WHOએ ઇમરજન્સી ગાઈડ લાઈન આપી તોય આપણા દેશે ડેટા કલેક્ટ ના કર્યો. ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા છે. તેની ક્રેડિટ ભાજપે લીધી. ગુજરાતમાં 10.53 કરોડ વેક્સિન આપી છે. જે મફત નહોતી જનતાના રૂપિયે જ આપતા હતા. 
 
ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા
શક્તિસિંહે કહ્યું કે, ભારત સરકારની પોતાની CRI સંસ્થા 118 વર્ષ જૂની છે જે વેક્સિન બનાવે છે. આ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાભરમાં વેક્સિન માટે શ્રેષ્ઠ છે. પોલિયો, શીતળા, ટીબી સહિતની વેક્સિન અને સંશોધન CRIએ કર્યું છે. ક્યારેય આ સંસ્થા સામે પ્રશ્નાર્થ નહતો. CRIને વેક્સિનનું કામ ના આપીને સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યું તો શા માટે આપ્યું? ભાજપે 3 હજાર કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યા. 1500 કરોડ ભારત બાયોટેકને આપ્યા. આ ઇન્સ્ટિટ્યૂટ જેણે વેક્સિન બનાવી છે તેને સરકારે હજારો કરોડો આપ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું તો તેમની વિરુદ્ધમાં ટ્રોલ આર્મીએ અભિયાન ચલાવ્યું. ભાજપ ધનસંગ્રહમાં કોરોનાની વેક્સિન બનાવનાર કંપનીએ કેટલા કરોડ આપ્યા છે તે બતાવે. કોરોનાની વેક્સિન લેવાથી મોત થયાં છે, તેમને વેક્સિનની કંપનીને આપેલા રૂપિયા પરત લઇ તમામને આપવા જોઈએ. આ ગુનાહિત બેદરકારી છે. મને વિશ્વાસ છે કે, આ મુદ્દો ચોક્કસ કોર્ટમાં જશે, તેમાં 304ની કલમ લાગી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર