વડોદરાના ડભોઇમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો

ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (08:50 IST)
-દુષ્કર્મમાં મદદ કરનારને કોર્ટે ચાર વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો
-ડભોઇમાં વર્ષ 2017માં સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું
 
વડોદરા નજીક ડભોઇમાં વર્ષ 2017માં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર યુવકને સેશન્સ કોર્ટે પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ દુષ્કર્મ કેસમાં મદદગાર યુવકને ચાર વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ કર્યો છે. 
 
ડભોઇમાં વર્ષ 2017માં 15 વર્ષની સગીરાને મન્સુરી આરીફ હુસેનભાઇ ટુ-વ્હિલર પર બળજબરીપૂર્વક બેસાડીને લઇ ગયો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં અન્ય એક આરોપી તડવી નીમેષ રસીકભાઇએ મદદગારી કરી હતી. આ મામલે ડભોઇ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. આ કેસની ટ્રાયલ અધિક સેશન્સ જજ આર.ટી.પંચાલ સમક્ષ ચાલતા આજે સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલ જીજ્ઞેસ કંસારાની દલીલો તેમજ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપી મન્સુરી આરીફ હુસેનભાઇને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સજા અને 25 હજાર રૂપિયા દંડનો હુકમ કર્યો છે. તેમજ અન્ય સહ આરોપી તડવી નીમેષ રસીકભાઇને મુખ્ય આરોપી આરીફની મદદગારી કરવા બદલ ચાર વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. 
 
આ બનાવ નજરે જોનાર સગીરાની બહેનપણીઓ હતી. જેથી તેમણે અગાઉ કોર્ટ સમક્ષ સગીરાના પક્ષમાં સમર્થન આપ્યું હતું અને ત્યાર બાદ કોર્ટ દ્વારા ફરીથી બોલાવવામાં આવતા અગાઉ આપેલ જુબાનીથી વિરૂદ્ધ જુબાની આપી હતી. જેથી સરકારી વકીલ જીજ્ઞેસ કંસારાએ CRPCની કલમ 195 તેમજ 344 મુજબ બંને આરોપીઓ વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સોગંદ પર ખોટી જુબાની આપવા બાબતે સગીરાની બહેનપણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી. જે અરજી અનુસંધાને કોર્ટ દ્વારા સુનાવણી કર્યા બાદ બંને બહેનપણીઓને ખોટી જુબાની આપવા બાબતે કસુરવાર ઠેરવી કોર્ટ ઉઠતા સુધીની સજા તેમજ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર