રાજ્યમાં આજથી અમલી બનશે, RTO ફીમાં રૂ.5000 સુધીનો ભાવ વધારો
મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (12:23 IST)
નાના મોટા વાહન ધારકોએ કદાપી ન કલ્પેલો ફી વધારો વાહનવ્યવહાર વિભાગે લાગુ કરવામાં આવ્યો છે. આજથી જ આ નવા ફી વધારાનો અમલ શરૂ થઈ જશે. ભારત સરકારના તા.29-12-2016નાં જાહેરનામાંનો હવાલો આપી મોટરવ્હીકલ એક્ટની કલમ 81 અન્વયે વાહનનાં રજિસ્ટ્રેશન અને લાઇસન્સ ફી સહિતની વાહન ધારકોને સ્પર્શતી તમામ બાબતોમાં તોતિંગ ફીની રકમમાં ભાવવધારો ઝીંકવામાં આવ્યો હોવા સંદર્ભે અને તે ભાવ વધારાનો મંગળવારથી અમલ કરવા વાહનવ્યવહાર કમિશનર ગાંધીનગરે સૂચના આપી છે.
વાહનવ્યવહાર રજિસ્ટ્રેશન અને લાઇસન્સની કામગીરી સાથે સંકળાયેલા એક એજન્ટે આ ભાવ વધારા અંગે જણાવ્યું હતું કે, અગાઉ વાહનમાં ફેરફાર કરવો હોય તે વાહન ધારક પાસેથી રૂ.150 ફી પેટે વસૂલાતા હતા હવે નવા ફીના દર મુજબ રૂ.2500 કરી નાખવામાં આવ્યા છે. નવા સૂચવેલા ફી વધારાની જાણ સ્થાનિક ડિલરોને પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઝીંકાયેલા તોતિંગ ફી વધારા સામે નારાજગીનો સૂર ઉઠે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે. નવાં વાહનોના રજિસ્ટ્રેશનથી લઇને તમામ સેવાઓ ઉપર ઝીકવામાં આવેલો તોતિંગ ફી વધારો આજથી જ ગુજરાતની તમામ આરટીઓ કચેરીઓમાં અમલી બની જશે. જેનાથી આરટીઓ કચેરીમાં પગથિયા ચડનારા તમામ લોકો ઉપર આ તોતિંગ ફી વધારો લાગુ પડશે. મળતી માહિતી પ્રમાણે RTO દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારામાં રૂ.100થી માંડીને રૂ.5000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફીમાં રૂ.200થી 3000 સુધી વધારો કરાયો છે જ્યારે ટ્રેડ સર્ટિફિકેટ ફી રૂ.200થી વધારીને રૂ.1,000 કરાઇ છે. રજિસ્ટ્રેશન રિન્યૂ ફી રૂ.400થી વધારીને રૂ.5000 કરાઈ છે. આ ઉપરાંત ટ્રક, બસમાં લોન દાખલના રૂ.100થી વધારી રૂ.3000 કરવામાં આવી છે.