દિવાળી પર રાહત: રાત્રિ કરફ્યુંમાં રાહત, થિયેટર 100 ટકા, રેસ્ટોરેન્ટને 75% ક્ષમતા સાથે ખોલવાની છૂટ

શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:24 IST)
રાજ્યમાં તાજેતરમાં જ કોરોના સંક્રમણનું પ્રમાણ કાબૂમાં છે. તો બીજી તરફ તહેવારોને ધ્યાનમાં રાખતાં સરકાર તરફથી રાત્રિ કરર્ફ્યુંમાં અને વધૂ છૂટ આપવાની જાહેરાત કરી છે. આગામી 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના સુધી રાજ્યમાં રાત્રિ કરર્ફ્યું 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તથા રેસ્ટોરેન્ટનો સમય અને ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. હવે સિનેમા 100 ટકા ક્ષમતા સાથે ખુલી રહી શકશે તથા હોટલ રેસ્ટોરેન્ટમાં 75 ટકા ક્ષમતા સાથે શરૂ રાખી શકાશે. 
 
દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા અને ફરવા જાય છે જેને ધ્યાનમાં રાખતા થિયેટરોને સો ટકા દર્શકો સાથે તથા હોટલ અને રેસ્ટોરેન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખોલવાની અનુમતિ આપી છે. 
 
લગ્ન સમારોહમાં આ પહેલાં 150 લોકોની મર્યાદા હતી, જેને વધારીને 400 લોકોની છૂટ આપવામાં આવી છે. એવામાં આયોજનોમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને કોરોના વેક્સીનના બંને ડોઝ અનિવાર્ય કરવામાં આવ્યા છે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર, ધ્વનિ નિયંત્રણ વિશે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જરૂરી છે. અંતિમ ક્રિયામાં આ પહેલાં 40 લોકો જોડાઇ શકતા હતા જેને હવે વધારીને 100 લોકોની મર્યાદા કરવામાં આવી છે. 
 
તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, બજાર, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર તથા અન્ય ગતિવિધિ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. તો બીજી તરફ નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલી જગ્યા પર 400 લોકોને બોલાવવામાં આવી શકશે. આ ઉપરાંત સ્પા સેન્ટરોને નિયમોનું સખત પાલન કરવા સાથે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. સ્પા સેન્ટર માલિકો, સંચાલકો, કર્મચારીઓ તથા આ કામ સાથે જોડાયેલા લોકો માટે વેક્સીનનો પ્રથમ ડોઝ અનિવાર્ય કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર