ગરબામાં રેડિયો જોકી ભાન ભૂલ્યાઃ છુટ્ટી ઓડિયો સીડી ફેંકતાં બાળકને આંખ નીચે ઈજા થતાં પોલીસ ફરિયાદ

બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:54 IST)
રેડિયો પર લોકોને કાયદાનું પાલન કરવા અને સિવિક સેન્સની સૂફિયાણી વાતો કરતા રેડિયો જોકી (આરજે) દ્વારા અત્યંત બેજવાબદારીપૂર્વક અને જોખમી રીતે પ્લાસ્ટિક-કવર સાથેની ઓડિયો સીડી ગરબા મહોત્સવ દરમ્યાન લોકો પર ફેંકાતાં એક બાળકને આંખની નીચેના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે.
શહેરના રેડ એફએમ રેડિયો સ્ટેશન દ્વારા એસ.જી. હાઇવે પર આવેલ માહી પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ દરમ્યાન જોખમી રીતે સ્ટેજ પરથી લોકો પર છુટ્ટી ઓડિયો સીડી ફેંકવામાં આવી હતી. દરમ્યાનમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ચાર વર્ષના પુત્રને આંખની નીચેના ભાગે સીડી વાગી હતી.
બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ મામલે રેડ એફએમ રેડિયો સ્ટેશનના ચેનલ હેડ અને આરજે દેવકી, આરજે આયુષ, આરજે હર્ષ, આરજે ધ્રુ‌મિલ અને આરજે નિશિતા વિરુદ્ધ બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગરબામાં રેડ એફએમના તમામ આરજેએ સ્ટેજ પરથી ગૂગલ ગરબા સીડી બનાવી હોવાની જાહેરાત કરી હતી. આરજે દેવકીએ પાર્ટી પ્લોટમાં હાજર મેદનીને સંબોધતાં કહ્યું હતું કે અમે આ સીડી તમારા ઉપર ફેંકીશું, તેનાથી તમે બચજો. તમારાં બાળકોને તમે જ્યારે ચાલો છો ત્યારે જમણી બાજુ રાખી અને તમે ડાબી બાજુ ચાલો છો એવું નહીં કરતાં બાળકને ડાબી બાજુ રાખજો, જેથી તેમની સેફટી જળવાઇ રહે.
અમે આ સીડી તમારા ઉપર ફેંકી રહ્યા છે, જેને તમે કેચ કરી લેજો. આ સીડી એટલા માટે ફેંકીએ છીએ કે તમને સાવચેતીની શીખ મળશે. તમારાં બાળકોને આ સીડી ફેંકીએ છીએ તેનાથી બચાવજો. તમારા હાથ નીચે તેને છુપાવી દેજો. આવી જાહેરાત કરીને સ્ટેજ પર હાજર રહેલા તમામ આરજેએ સીડી છૂટા હાથે ખેલૈયાઓ ઉપર ફેંકી હતી.
ભાવેશભાઇનાં પત્ની તેમના પુત્રને લઇ સ્ટેજની સામે ડાબી બાજુ ક્રોસમાં બેઠાં હતાં. સ્ટેજ પરથી છુટ્ટી આવતી ‌સીડી અર્થને વાગે નહીં તે માટે તેના મોઢા પાસે પર્સ રાખ્યું હતું. સીડી વાગી નથી તે જોવા પર્સ હટાવ્યું તે દરમ્યાન સ્ટેજ પરથી ફેંકાયેલી એક સીડી અર્થના મોઢાના ભાગે આંખની નીચે વાગી હતી.
અર્થને ઇજા થતાં પાર્ટી પ્લોટમાં કોઇ પણ પ્રાથમિક સારવારનો અભાવ હોવાથી તેને તાત્કા‌લિક તેઓ સંજીવની હોસ્પિટલ લઇ જવાયો હતો અને સારવાર અપાવી હતી. સારવાર લીધા બાદ તેઓ ઘેર પરત ફર્યાં હતાં. લોકોની શારીરિક સલામતીનું ધ્યાન રાખ્યા વગર આરજે દ્વારા છુટ્ટી સીડી ફેંકાતાં એક ચાર વર્ષના બાળકને ઇજા થઇ હોવાથી ઘટના બનતાં ત્યાં હાજર લોકોમાં પણ રોષ ફેલાયો હતો. રેડિયો જોકીઓ ગરબા મહોત્સવમાં ભાન ભૂલ્યા હતા અને આ રીતે સીડી ફેંકતાં એક બાળકને ભોગ બનવું પડ્યું હતું. નસીબજોગે અર્થને આંખની નીચેના ભાગે સીડી વાગી હતી. જો સીડી આંખમાં વાગી હોત તો તેને ગંભીર ઇજા પહોંચી હોત.
૧ર ઓકટોબરના રોજ બનેલી આ ઘટના બાદ ૧પ ઓકટોબરે ભાવેશભાઇ ફરીથી રેડ રાસના ગરબા જોવા ગયા હતા ત્યારે પણ આ જ રીતે છુટ્ટી સીડી લોકો પર ફેંકાઇ રહી હતી. લોકોની શારીરિક સલામતી જોખમાય તે રીતે છુટ્ટી સીડી ફેંકવાનું ચાલુ હોઇ ભાવેશભાઇએ આ મામલે જવાબદાર પાંચ આરજે સામે વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૩૭ મુજબ ગુનો દાખલ કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર