આધારકાર્ડમાં અંગૂઠાની છાપ નહીં મળવાને કારણે સરકારી લાભો અટકાતા ઈચ્છામૃત્યુ માંગ્યું
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (12:39 IST)
ભારત દેશમાં હવે આધાર કાર્ડ એક મહત્વનું દસ્તાવેજી પુરાવો છે. તેના કારણે અનેક યોજનાઓનો લાભ દેશના નાગરીકોને મળી શકે છે. પરંતુ આધારકાર્ડના કારણે કોઈ વ્યક્તિ ઈચ્છામૃત્યુની માંગ કરે તે ચોંકાવનારી બાબત છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કાલરી ગામનાં 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માંગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માંગણી કરી હોવાનું જણાવ્યું છે. કાલરી ગામનાં 65 વર્ષનાં આંખે અંધ કંચનબા પ્રભાતસિંહ જાડેજાના શબ્દોમાં કહીએ તો અગૂંઠાની રેખાઓ ઘસાયેલી હોઇ તેનું નિશાન નહીં આવતાં તેમનું આધારકાર્ડ નીકળ્યું નથી, જેના કારણે કોઇ સરકારી યોજનાનો લાભ મળતો નથી. જ્યારે તેમના 38 વર્ષનો પુત્ર દિલીપસિંહ પ્રભાતસિંહ આવાસ યોજના સહિતમાં લાભ મેળવવા છેલ્લા 2 વર્ષથી કાગળની ફાઇલો લઇને ગામના સરપંચથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય રહેતાં પરિવાર ભાગી પડ્યો છે. આ સંજોગોમાં દિલીપસિંહે તેમની મા કંચનબા અને 4 વર્ષના પુત્ર વિશ્વરાજ સાથે મરવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માંગણી કરી છે. દિલીપસિંહ જાડેજાએ કહ્યું કે, હું મારા પ્લોટમાં ઝુંપડામાં રહું છું. જ્યાં સુધી મકાન ના બને ત્યાં સુધી મને તેડવા આવશો નહીં તેવું કહી પત્ની છોડી ગઇ છે. મજૂરી કરીને માંડ બે ટંકનું જમવાનું નસીબમાં મળે છે અને ક્યારેક પરિવારને ભૂખ્યા ઉંઘવાનો વારો પણ આવે છે. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે કહ્યું કે, આજે કચેરીથી બહાર હોઇ ઇચ્છા મૃત્યુ જેવી કોઇ અરજી ધ્યાને આવી નથી. જો કોઇ અરજદારને તેમના કામકાજ માટે જરૂરી અંગૂઠાની છાપ ન આવતી હોય તો ઓફલાઇન પ્રક્રિયાનો વિકલ્પ હોય છે. કાલે અરજી ચકાસી આધારકાર્ડ કઢાવવું હશે તો કર્મચારી મારફતે થમ્બ લેવડાવી આપીશું.