પેટ્રોલ ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસે સાઇકલ, ઊંટ ગાડી સાથે વડોદરાના માર્ગો પર વિશાળ રેલી કાઢી

ગુરુવાર, 24 મે 2018 (15:30 IST)
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસ અને ડાયનાસોર બનાવી વિશાળ રેલી કાઢી હતી. સાઇકલ, પગ રિક્ષા, ઊંટ ગાડી સાથે વડોદરા શહેરના માર્ગો ઉપર નીકળેલી રેલીએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્રતાપનગર ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી ચોખંડી, માંડવી, ન્યાય મંદિર થઇ ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઇ હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કાઢવામાં આવેલી રેલીમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા મોંઘવારીના રાક્ષસ અને ડાયનાસોરના પુતળાએ રેલીમાં આગવું આકર્ષણ જમાવ્યું હતું.

કેન્દ્રની ભાજપ સરકાર તેમજ મોંઘવારી વિરૂદ્ધના બેનરો, પોષ્ટરો સાથે ધોમધોખતા તાપમાં કોંગ્રેસ કાર્યકરોના સરકાર વિરોધી સુત્રોચ્ચારે શહેરના માર્ગોને ગજવી દીધા હતી. વિશાળ રેલીના પગલે માર્ગો ઉપર ઠેર-ઠેર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં પ્રતાપનગર ખાતેથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં નીકળેલી રેલીમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ચિરાગ ઝવેરી, ઋત્વીજ જોષી, શૈલેષ અમીન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. અને પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, દેશમાં દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ રહેલા વધારાના પગલે આમ જનતા પરેશાન થઇ ગઇ છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નીતિ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવોને લઇને  વળગી રહેલી મોંઘવારી ને પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો  છેલ્લા ચાર વર્ષમાં સહુથી વધારે વધ્યા છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં શહેર કોંગ્રેસ દ્વારા વધી રહેલી મોંઘવારી રાક્ષસ અને ડાયનાસોર સમાન છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર