સવારના 6થી 8 વાગ્યા દરમિયાન કચ્છના રાપરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ અને બનાસકાંઠાના ભાભરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે, જેમાંથી ખાસ કરીને આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઈંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારે અને અવિરત વરસાદને પગલે સુવઇથી ગવરીપરને જોડતો મુખ્ય પુલ તૂટી પડ્યો છે, પુલ તૂટી પડવાથી રાપર અને આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે, જે ગ્રામજનો માટે મોટી મુશ્કેલી બની રહી છે. સત્તાવાળાઓએ લોકોને નદી કે નાળા નજીક ન જવાની અપીલ કરી છે અને ચેતવણી અપાઈ છે કે વધુ વરસાદની સંભાવના હોવાથી સતર્ક રહેવું જરૂરી છે