Heavy Rainfall In Gujarat : મેંદરડામાં 13 ઇંચ અને પોરબંદરમાં 10 ઇંચ વરસાદ, રાજ્યમાં 70 રસ્તાઓ વરસાદના કારણે બંધ, 70 જળાશયો હાઈએલર્ટ પર

ગુરુવાર, 21 ઑગસ્ટ 2025 (18:58 IST)
heavy rainfall in Gujarat
હજુ લગભગ એક અઠવાડિયા પહેલાં ગત વર્ષની સરખામણીએ વરસાદની 12 ટકા જેટલી ઘટ હતી, પરંતુ ગણતરીના દિવસોમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. બુધવારની સ્થિતિ પ્રમાણે, ચાલુ વર્ષે અને ગત સાલની સરખામણીએ વરસાદની ટકાવારી વધી ગઈ છે.બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી સિસ્ટમને કારણે બુધવારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે થી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા બંધ, નદીઓ છલકાઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
 

 
સવારથી સાંજ સુધીમાં જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ તથા નવસારીમાં 8.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. જેની અસર વાહનવ્યવહાર ઉપર થઈ હતી અને તથા અમુક સ્થળોએ એસટી બસના રૂટ બંધ કરવા પડ્યા હતા, તો ગુજરાત ઉપર હાલમાં સક્રિય તથા રાજ્યના આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઊભી થનારી સિસ્ટને કારણે ગુરુવારે તથા આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.
 
બુધવારે રાજ્યના 29 જિલ્લાના 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તાલુકાવાર સરેરાશ 31.16 મીમી જેટલી રહી હતી.
 
જેમાં સૌથી વધુ વરસાદ (બુધવાર બપોરની સ્થિતિ મુજબ) જૂનાગઢ જિલ્લાના મેંદરડા (13 ઇંચ) ખાતે પડ્યો હતો. તો પોરબંદર શહેરમાં 9.84 ઇંચ વરસાદ પડ્યો હતો.
 
જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલી તથા માણાવદરમાં અનુક્રમે 11, 10.16 અને આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
 
નવસારીના ગણદેવીમાં 8.39 ઇંચ, ચીખલીમાં 7.2 ઇંચ અને ખેરગામમાં 5.24 ઇંચ વરસાદ પડ્યો હતો.
 
કપરાડામાં 6.57 ઇંચ (વલસાડ), કુતિયાણામાં 6.93 ઇંચ (પોરબંદર), દોલવણમાં 5.91 ઇંચ (તાપી) મહુવામાં 5.31 ઇંચ (ભાવનગર) વરસાદ પડ્યો છે.
 
લગભગ એક અઠવાડિયા પહેલાં ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ વરસાદમાં 12 ટકા જેટલી ઘટ હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.
 
ગુજરાત સરકારના ડેટા પ્રમાણે, બુધવારે 660 મીમી વરસાદ પડ્યો છે, જે રાજ્યની કુલ જરૂરિયાતના 74.85 ટકા જેટલો છે.
 
ગત વર્ષે અત્યારસુધીમાં 651.21 મીમી વરસાદ પડ્યો હતો, જે સિઝનનો સરેરાશ 73.75 ટકા જેટલો હતો.
 
બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, જે ગુજરાત તરફ આગળ વધી રહી હતી, પરંતુ એ પહેલાં અટકી જતાં મહારાષ્ટ્રના તટીય પ્રદેશ, મુંબઈ, ઠાણે તથા નવી મુંબઈમાં અસામાન્ય વરસાદ પડ્યો હતો.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બૅક-ટુ-બૅક સિસ્ટમો સર્જાઈ રહી હોવાથી ચાલુ સપ્તાહના અંતભાગ સુધી કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
ઉત્તર-પૂર્વ અરબ સાગર તથા ગુજરાતમાં દરિયાની સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમી ઉપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
 
મૉન્સુન ટ્રફ નલિયાથી વલ્લભવિદ્યાનગર, બૈત્તુલ માંડલા, સંભલપુર, ચાંદબાલી થઈને બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ સુધી વિસ્તરે છે.
 
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટ વેધરના મહેશ પલાવતના કહેવા પ્રમાણે, 'દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જે રાજકોટ સુધી વિસ્તરી શકે છે. જોકે, અમદાવાદ અને વડોદરા ઉપર તેની આંશિક અસર થવાની શક્યતા છે.'
 
હવામાન વિભાગના બુલેટિન મુજબ, બુધવારે સાંજે તથા ગુરુવાર સવાર દરમિયાન જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા કેટલાંક સ્થળોએ ; દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ; તથા કેન્દ્રશાસિત દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ અસામાન્ય રીતે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
 
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ તથા તાપીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મેઘગર્જના થશે અને પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.

\\\
 
ગુરુવારે દ્વારકામાં કેટલાંક સ્થળોએ અસમાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, જામનગર, કચ્છ, મોરબી, જૂનાગઢ અને પોરબંદર ઉપર વરસાદ વરસવાનું ચાલુ રહેશે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર