50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર વી.બી. ડાંગરનાં જણાવ્યા મુજબ હાલ દિવાળીનાં તહેવારને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં દાહોદ, ગોધરા અને સુરતના રૂટો ઉપર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતા હાલ 70 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે.
તેમજ ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર સહિતના સ્થળોએ પણ 80 જેટલી વધારાની બસો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.જરૂર પ્રમાણે એક્સ્ટ્રા બસો મૂકવાની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં 50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસટી વિભાગ દ્વારા યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યું છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ અંદાજે રૂ. 3 લાખ કરતા વધુ રકમનું પેમેન્ટ યુપીઆઈ મારફત મળી રહ્યું છે. આ તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તેમજ એસટી વિભાગને સારી આવક થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.