રાજકોટ અગ્નિકાંડઃ પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું

શુક્રવાર, 7 જૂન 2024 (16:52 IST)
congress nyay upavas
 શહેરમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઇ જવાની હૃદય દ્રાવક ઘટના બાદ વિવિધ પરિવારોને ન્યાય માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે આજથી ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે SITનો વિરોધ કર્યો હતો અને ન્યાય મળે તે માટે પ્રમાણિક અધિકારીઓની ટીમ બનાવી નવી SIT તૈયાર કરવાની માંગ કરી હતી. પીડિતોના પરિવારોને 4 લાખને બદલે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે અને કેસની ટ્રાયલ પણ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી. 
 
પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીં બેઠા છીએ
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે,સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સ્પેશિયલ ભીનું સંકેલો SIT અમારે જોઈતી નથી. તેઓએ મોરબીની પુલ દુર્ઘટના હોય કે લઠ્ઠાકાંડ તેની તપાસમાં અત્યાર સુધીમાં એક પણ કેબિનેટ મંત્રી કે IAS-IPSની ધરપકડ કરી નથી. જેથી નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે. જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે તે જરૂરી છે.  દોઢથી બે વર્ષમાં જ ટ્રાયલ પૂરી થાય અને પીડિતોના પરિવારોને ન્યાય મળે તે માટે આજથી ત્રણ દિવસ રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીં બેઠા છીએ.
 
ખીરની તપાસ બિલાડીને સોંપાઈ એવો મતલબ થયોઃ મેવાણી
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, અમે ગુજરાત સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે, રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોઈપણ કોર્પોરેટર, ધારાસભ્ય કે મંત્રી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. બંછાનીધી પાની કે જેઓ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમના સમયગાળામાં જ આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો. ત્યારે તેમને જ અગ્નિકાંડની તપાસ કમિટીમાં મૂકવામાં આવ્યા છે. જેનો મતલબ એ થયો કે ખીરની તપાસ બિલાડીને. આ પ્રકારની કમિટી ઉપર રાજકોટ અને ગુજરાતની જનતા કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખી શકે.એન્ટી કરપ્શન બ્યુરો એ દાંત વગરનો સાવજ છે. 
 
રાજકોટમાં હજારો નહીં સેંકડો ગેરકાયદેસર બિલ્ડિંગ છે
મેવાણીએ એમ પણ કહ્યું કે, એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા 15 વર્ષ ડિરેક્ટર રહ્યા તેમની સંપત્તિની પણ તપાસ કરવી જોઈએ. સવાલ એ છે કે અત્યાર સુધી તમે વિપક્ષના નેતાઓના ઘરે ED અને ઇન્કમટેક્સની ટીમ મોકલી રહ્યા હતા તો અત્યાર સુધી આ પ્રકારના ભ્રષ્ટ નેતાઓને કેમ છાવરી રહ્યા હતા. રાજકોટમાં હજારો નહીં સેંકડો ગેરકાયદેસર બિલ્ડિંગ છે. જ્યાં બી.યુ. પરમિશન લેવામાં આવી નથી અને ફાયર સેફ્ટીના સાધનો નથી. તેના માટે જવાબદાર અધિકારીઓ અને નેતાઓની SIT અને ACBએ ધરપકડ કરવી જોઈએ. મેવાણીએ જણાવ્યું હતું કે, ACB ક્યાં કોઈ સામે કાર્યવાહી કરે છે. ACB, SIT, CBI, CID કે NIA હોય જ્યાં સુધી ઇન્ટીગ્રિટી વાળા અધિકારી નહીં હોય ત્યાં સુધી તપાસ લોજીકલ એન્ડ સુધી નહીં પહોંચે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર