સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

મંગળવાર, 14 મે 2024 (11:49 IST)
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ 48 કલાકમાં રાજ્યમાં આકાશમાં વાદળ ઓછા થતાં તાપમાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે, ઉપરાંત 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ભેજયુક્ત ગરમ પવનો ફૂંકાવાથી બફારાનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ આજરોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગમાં તથા સૌરાષ્ટ્રમાં બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આ પ્રકારની આગાહી સામે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ભારે પવન ફૂંકાવાને કારણે આંબા ઉપર તૈયાર થયેલી કેરી પણ ખરી પડે તેવી શક્યતા છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તૈયાર થયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ સૂચના આપી છે.

અમદાવાદ શહેરમાં પણ ગત રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થયા બાદ આજે દિવસ દરમિયાન પણ બફારો રહેશે. ગત 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ દરરોજ જે સમય મહત્તમ તાપમાન નોંધાતું હોય છે તે સમયગાળા દરમિયાન એટલે કે સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ મોડીરાત્રે વરસાદ આવતા ફરી એક વખત અમદાવાદીઓને બફારાનો અનુભવ થયો હતો.આજરોજ પણ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઓછી ઝડપે ગરમ ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે. જેને કારણે ઉકળાટ અનુભવાશે. ખાસ કરીને બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મહત્તમ તાપમાન રહેશે. આજરોજ સાંજના 4 વાગ્યાથી 6:00 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર