છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ, ખંભાળિયામાં સાડા નવ ઈંચ વરસાદથી જળબંબાકાર

સોમવાર, 17 જૂન 2024 (12:38 IST)
rai in gujarat


રાજ્યમાં મેઘરાજાએ ગઈકાલે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું હતું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં ધોધમાર સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. કચ્છના માંડવીમાં સવારે બે કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ દ્વારકા, ભાણવડ અને પોરબંદરમાં હળવો વરસાદ વરસ્યો હતો.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં 233 MM, પોરબંદર 69 MM, ભાણવડ 55 MM, રાણાવાવ 36 MM, નખત્રાણા 30 MM, ગારિયાધાર 28 MM, દ્વારકા 27 MM વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.આજે 17 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા હતા. ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ બપોરે 2 વાગ્યા બાદ ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જે બાદ દિવસ દરમિયાન સાડ નવ ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. તો બીજી તરફ વાવણીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર