ભાજપના ધારાસભ્ય બરાબરના બગડ્યા, મામલતદાર ઓફિસમાં જમીન પર બેસી ગયા

શનિવાર, 15 જૂન 2024 (18:22 IST)
BJP MLA Mamlatdar


જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીને ઉધડો લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો ઉઠતા લાડાણી માણાવદર મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા. ધારાસભ્ય અહીં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ પોતાની બાજુમાં જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો.

માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે. નગરપાલિકામાં 'નાયક' અંદાજમાં રજૂઆત માટે પહોંચેલા ધારાસભ્ય જનતાના પ્રશ્નોની રજૂઆત સમયે ભાષાની મર્યાદા પણ ભૂલ્યા હતા. માણાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો.

માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. માણાવદર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર દ્વારા ભંગાર વેચાણમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, માણાવદરમાં ગટર અને વોકળાની સફાઈને લઈ ફરિયાદો મળતા મામલતદાર કચેરીના મેદાનમાં લોકદરબાર યોજ્યો હતો. જેમાં નગરપાલિકાના વહીવટદાર(મામલતદાર)ને પણ હાજર રહેવા જણાવ્યું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા. ચીફ ઓફિસરે હાજરી આપી હતી. કામગીરી મોડી થવા માટે અધિકારીઓ આચારસંહિતાની વાત કરી રહ્યા છે જે વાત ખોટી છે. નગરપાલિકાના ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરાવી જરુરી પગલાં લેવડાવીશું. 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અન્યથા 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર