પર્વત પર જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓ ખંડિત થતાં સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. જૈન મુનિએ આક્ષેપ કર્યો છે કે કોઈએ મૂર્તિ તોડી પાડી છે.મોડીરાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો.
હાલોલના શ્રી નવકાર આરાધના ભવનના જૈન સમાજના આગેવાન દિનેશ શાહે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા તીર્થંકર નેમિનાથ ભગવાનની 500 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ પાવાગઢ મહાકાળી મંદિરના જૂનાં પગથિયાં ઉપર લાગેલી હતી તેની અમે પૂજા-અર્ચના કરતા હતા. અમારા ભગવાનની પ્રતિમાને અમે પૂજતા હતા તેને મંદિર ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ પ્રતિમાઓને કાઢીને એક જગ્યાએ અંદર મૂકી દીધી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન છે. ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કરાઈ નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે આ પ્રતિમાઓ અમારા ભગવાનની છે.આ મૂર્તિઓ ફરી તે જગ્યા ઉપર લાગી જાય તે માટે સહકાર આપી કલેક્ટરને પણ જાણ કરતા તેમને બે દિવસની અંદર પ્રતિમાઓ પાછી લાગી જશે તેવું આશ્વાસન આપ્યું હોવાનું જણાવ્યું છે.
સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરી પર એકઠા થયા હતા
સુરતમાં જૈન મહાત્મા સહિત સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરી પર એકઠા થયા હતા. પાવાગઢના જૈન ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ, યુવાનોએ 'જાગો જૈનો જાગો'ના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા.મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ, પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું. તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓની બહાર ફેંકી દેવામાં આવી હતી.અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી.
પાવાગઢ મંદિર ટ્રસ્ટી અશોક પંડ્યાની પ્રતિક્રિયા
પાવાગઢ મંદિર ટ્રસ્ટી અશોક પંડ્યાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, મંદિર માટે નવા પગથિયા બનાવવાના હતા અને જૂના પગથિયા પર જૈન મૂર્તિઓ હતી. મૂર્તિઓ સામે પ્રસાદીના લીધે ગંદકી થતી હતી. અમે જૈન અગ્રણીઓને મૂર્તિઓને સારી જગ્યાએ સ્થાપિત કરવા કહ્યું હતું. જૈન સમાજના અગ્રણીઓએ મૂર્તિ ખસેડવાની ના પાડી અને હવે જૂના પગથિયા પરથી મૂર્તિ હટાવતા જૈન સમાજ નારાજ થયો છે. મૂર્તિ હટાવવાથી જૈન સમાજ નારાજ હોય તો અમે ફરી ત્યાજ મૂકી દઈશું.