હવામાન વિભાગની માવઠાની આગાહી - વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદ પડતા તૈયાર પાકને લઈને ઘરતીપુત્ર ચિંતામાં

બુધવાર, 20 એપ્રિલ 2022 (14:51 IST)
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 20 અને 21 એપ્રિલ એમ બે દિવસ પવન સાથે વરસાદ પડવાની આગાહી વચ્ચે  આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લામાં ઘટાટોપ વાદળો છવાયાં છે અને અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થયા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા, લસણ, મગફળી, કપાસ સહિતના તૈયાર પાક વેચવા માટે આવ્યા છે, પરંતુ વાદળછાયું વાતાવરણ બંધાતાં ગમે ત્યારે વરસાદ પડવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ, ગોંડલમાં પણ અમીછાંટણાં થતાં યાર્ડમાં ડુંગળી, મગફળી, ચણા અને મરચાની બે દિવસ આવક બંધ કરવામાં આવી છે. છાપરાં નીચે જે હરાજી થાય એ જ પાકની આવક શરૂ રાખવામાં આવી છે.
 
રાજકોટ યાર્ડમાં નવી આવક બંધ કરાઈ
રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાક પર વરસાદ પડે તો નુકસાન પહોંચે એમ છે, આથી માર્કેટ યાર્ડ દ્વારા નવી આવકો બંધ કરવામાં આવી છે તેમજ ખેડૂતોને યાર્ડની અંદર ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ પાલમાં નહીં, પણ કોથળામાં જ તૈયાર પાક લાવવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સૌથી વધુ ચણા, ઘઉં, લસણ અને મગફળીની આવક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર