રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં 12મી ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગરના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતીવાડા તેમજ સુરતના મહુવામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતિ અને સિદ્ધપુર, નવસારીના વાસદા, સાબરકાંઠાના પોશિના અને ડાંગના વધઇમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ઉમરપાડામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં 2.10 ઈંચ, બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસી અને પલસાણામાં 1.25, માંગરોળમાં 20, ઓલપાડ અને માંડવીમાં 12 મિમી અને કામરેજ અને સુરત સીટીમાં 8 મિમી વરસાદ નોંધાયો છે.