રાહુલ ગાંધી ગુજરાતમાં બનાસકાંઠાના પુરગ્રસ્તોની મુલાકાત લેવા આવી રહ્યાં છે.
બુધવાર, 2 ઑગસ્ટ 2017 (15:13 IST)
રાહુલ ગાંધી ૪થી ઓગસ્ટે ગુજરાતના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવશે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો પ્રાથમિક કાર્યક્રમ ગોઠવી નાંખ્યો છે, હવે એનએસજી સહિત વિવિધ કક્ષાએ મંજૂરી મળશે તો આ મુલાકાત ફાઈનલ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આમ તો ઓગસ્ટ મહિનામાં ચૂંટણીલક્ષી જાહેરસભા યોજવાના હતા, જોકે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામાંને લઈ જે સ્થિતિ સર્જાઈ તેને લીધે જાહેરસભાઓનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ છે,
આ સ્થિતિમાં પુરગ્રસ્તોની મુલાકાત લેવા રાહુલ ગાંધી ૪થી ઓગસ્ટે ગુજરાત આવે તે માટેનો તખ્તો કોંગ્રેસે ગોઠવ્યો છે. પૂરના સંજોગોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠાને અત્યાર પૂરતું મુકામ બનાવી દીધું છે અને પીડિતોની વચ્ચે જઈને રાહતકામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે. ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિનું રાહુલ નિરીક્ષણ કરશે અને લોકોને સરકાર તરફથી મદદ મળી રહી છે કે કેમ તેની સ્થિતિનો ચિતાર મેળવશે. કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાહુલ હવાઈ નિરીક્ષણ નહિ કરે પરંતુ બાય રોડ જઈ પુરગ્રસ્તો સાથે સંવાદ કરશે. નોંધનીય છે કે ભારે વરસાદ પછી મોટાભાગના રોડ તુટી ગયા છે અને ખાડા પડી ગયા છે પણ આમ છતાં રાહુલ ગાંધીએ આ હાલાકી વેઠવાનું પસંદ કર્યું છે. આ મુલાકાત વેળા સાંસદ એહમદ પટેલ તેમ જ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ જોડાય તેવી શક્યતા છે.