ચોમાસુ લાંબુ ચાલે તેવી સંભાવના, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (10:24 IST)
ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે, અહીં અનેક જિલ્લાઓમાં આવેલા પૂરે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. એવામાં ભારતીય હવામાન ખાતાએ આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 10 દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. જોકે સામાન્ય રીતે દેશમાં 17 સપ્ટેમ્બરથી ચોમાસુ પરત ફરવાનું શરુ થાય છે પરંતુ આ વખતે ચોમાસુ લાંબુ ચાલે એવી સંભાવના છે.
 
હવામાન વિભાગના અનુમાન મુજબ દેશના અનેક વિસ્તારોમાં આગામી 3 થી 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીનું કહેવુ છે કે, ઓડિશાના દરિયામાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે દેશના 13 રાજ્યોમાં વરસાદ પડવાનું અનુમાન છે.
 
જે દરમિયાન દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રનો અમુક વિસ્તારો અને ઉત્તર પ્રદેશમાં આગામી 3-4 દિવસ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં 100 થી 150 મિલી મીટર વરસાદ નોંધાયો હતો.
 
આ સિવાય સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ અને ગોવામાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. આ દરમિયાન દરિયાઇ પવનો ફુંકાવાને લીધે માછીમારોને દરિયામાં જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર