પ્રિયંકા ગાંધીએ જે દિવસથી પોતાની સક્રિય રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારથી લોકોમાં તેમને જોવાની અને સાંભળવાની ઉત્સુક્તા ખાસ્સી વધી ગઈ છે. તેવામાં હવે 28 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતની મુલાકાતે આવશે. અને પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી સભા સંબોદશે. આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ 28 ફેબ્રુઆરીએ અડાલજના ત્રિમંદિરે યોજાનારી રેલી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સાથે જ કોંગ્રેસ તરફથી એવો દાવો કરાઈ રહ્યો છે કે ગુજરાતના ઈતિહાસમાં આટલી મોટી પહેલી વખત રેલી યોજાશે. કોંગ્રેસ માટે આ રેલી એટલે મહત્ત્વપૂર્ણ બની રહેશે કારણ કે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એકસાથે ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ આ લોકસભા ચૂંટણીમાં ગુજરાત પર ખાસ ધ્યાન આપી રહ્યું છે, ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. કોંગ્રેસની 51મી કારોબારી બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે. મહત્ત્વનું છે કે 60 વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસની કારોબારી મીટિંગ થવા જઈ રહી છે.