અમદાવાદમાં 9મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી UAEના પ્રેસિડેન્ટ સાથે રોડ શો કરશે

ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (16:52 IST)
વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટના આમંત્રિતો સાથે રાજ્યના કેટલાક પ્રવાસન સ્થળોની મુલાકાત કરશે. જેમાં ધોરડો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અટલ બ્રિજની મુલાકાત લે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તંત્ર દ્વારા વડાપ્રધાનના પ્રવાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન 9મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી તથા UAEના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યેન અમદાવાદ એરપોર્ટથી સાબરમતિ આશ્રમ સુધી રોડ શોમાં ભાગ લેશે. રોડ શો બાદ બંને દેશના વડાઓ ગાંધીનગર જશે અને ત્યાં ટ્રેડ શોમાં ભાગ લેશે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન ભારત અને UAEના સંબંધો વધુ મજબૂત બનશે. 
 
ગાંધીનગરમાં ટ્રેડ શોમાં પણ ભાગ લેશે
આગામી 10 જાન્યુઆરીથી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રિવર્સ બાયર-સેલર મીટ, વેન્‍ડર ડેવલપમેન્‍ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવવાના છે. આ સમિટમાં વિશ્વના 35 દેશો સહભાગી થયાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીઓ-ઉચ્ચ અધિકારીઓએ વાઇબ્રન્ટ-2024ના પ્રમોશન માટે 11 દેશોની મુલાકાત લીધી અને 200 વન-ટુ-વન બેઠકો કરી હતી.તે ઉપરાંત દેશના 10 શહેરોમાં રોડ-શો અને 106થી વધુ વન-ટુ-વન બેઠકો યોજાઇ છે. 
 
PMO દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતનો અંતિમ નિર્ણય લેવાશે
પીએમ મોદી વાયબ્રન્ટ ના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે.આ દરમિયાન કચ્છના ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અટલ બ્રિજની મુલાકાતને લઈ ચર્ચા શરૂ થઈ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી તા.9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોનાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે. તા. 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર