ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની ઊભી થયેલી કૃત્રિમ તંગીના કારણે લોકો હેરાન, અમદાવાદમાં પેટ્રોલની અછત

ગુરુવાર, 16 જૂન 2022 (11:17 IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ઊભી થયેલી કૃત્રિમ તંગીના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ગભરાટના કારણે લોકો ટુ વ્હીલર-ફોર વ્હીલરની ટાંકી ફૂલ કરાવી રહ્યાં છે. સમગ્ર ઘટનાક્રમમાં ઓઈલ કંપનીઓ વિલનની ભૂમિકા ભજવી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે, કેમ કે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી નાખ્યા છે. ભાવ ઘટયા ત્યારે 90 ડોલર હતો અને હાલમાં 121 ડોલર છે. 40 દિવસથી પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધ્યા નથી. ઊંચા ભાવે ક્રૂડ ખરીદી સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ વેચવા પરવડતા નહીં હોવાથી કંપનીઓએ નાક દબાવી મોઢું ખોલવા જેવો ઘાટ કર્યો છે. એટલે કે સપ્લાયમાં કાપ મૂકી ભાવ વધારવા માટે આડકતરું દબાણ ઉભું કર્યું છે.

હમણાં ભાવ વધે તો સપ્લાય સામાન્ય બની જશે તેવી ચર્ચા છે.HPC અને BPC કંપનીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જેટલો માલ સપ્લાય કર્યો હોય તેની સરેરાશના આધારે 50 ટકાનો કાપ મૂકી દીધો છે. ઉદાહરણ તરીકે જે ડીલર મહિને 50 હજાર લીટર પેટ્રોલ-ડીઝલ વેચતો હતો તેને હવે 20,000 લીટર જ માલ મળે છે. બાકી 30,000 અપાતો નથી. તેના કારણે ડીલરોએ વગર મંજૂરીએ પેટ્રોલ પંપનો સમય ઘટાડી નાખ્યો છે. પંપની બહાર આઉટ ઓફ સ્ટોકના પાટિયા ઝૂલી રહ્યાં છે. ઓઈલ કંપની કે પેટ્રોલ પંપ ડીલરોના એસોસિએશને કહ્યું નથી છતાં ડીલરોએ સમય ઘટાડી નાખ્યો છે. રિલાયન્સ અને એસ્સારે તો તેમના પંપ બંધ કરી દીધા છે. તેના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો છે.ઘણા પેટ્રોલ પંપ પર ખૂટી ગયો છે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો. એવામાં રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇનું કહેવું છે કે, લોકો અફવા પર ધ્યાન ન આપે. કનુ દેસાઈના મતે જ્યારે વીજળીની કટોકટી હતી, ત્યારે પણ આવી જ અફવાઓ ઉડી હતી. જેથી પેટ્રોલ-ડીઝલના અંગે પણ સરકાર વ્યવસ્થા કરશે.બીજી બાજુ અમદાવાદમાં બોપલના પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલનો સ્ટોક ખૂટ્યો હોવાનું સામે આવ્યું છે. આંબલી ખાતેના HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટ્યું. પેટ્રોલનો સ્ટોક ન હોવાના કારણે લોકો પરત જઈ રહ્યાં છે. છેલ્લાં 3 દિવસથી પેટ્રોલનો સ્ટોક નથી આવી રહ્યો. પેટ્રોલ ન મળતા લોકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટેશન પર પણ તેની અસર થઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર