PayTM વાપરનારાઓ અમદાવાદનો આ કિસ્સો વાંચીને ચેતી જજો
શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (12:34 IST)
ટેકનોલોજીના યુગમાં ડીજીટલ પેમેન્ટ કરવું જેટલું આસાન બન્યું છે. તે જ પ્રમાણમાં ગઠિયાઓ માટે સાયબર ક્રાઇમને અંજામ આપવા માટેના માર્ગ મોકળા બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. અને તેમાંય છેલ્લા કેટલાય સમયથી KYCના નામે છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરમાં KYC ના નામે રૂપીયાની છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા કિંજલ વોહરાએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પે-ટીએમમાંથી તેઓને મેસેજ આવેલ કે તેમનું એકાઉન્ટ થોડા સમયમાં હોલ્ડ કરવામાં આવશે જેથી તેમણે KYCની અપડેટની કાર્યવાહી પુરી કરવા માટે જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ પે ટીએમની ઓફિસમાં ફોન કર્યો હતો. જેમાં સુમીત જૈન નામના વ્યક્તિએ તેમને KYC અપડેટ કરવા માટે ટીમ વ્યુઅર સપોર્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું. ફરિયાદીએ આ એપ્લીકેશન ડાઉનલકોડ કર્યા બાદ સુમીતજૈનએ એપ્લીકેશનનું રીમોટ નંબર માંગ્યો હતો. રીમોટ નંબર મેળવ્યા બાદ તેણે ફરિયાદીની આઇસીઆઇસીઆઇ બેંકના ડેબીટકાર્ડની વીગતો મેળવીને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપીયા 1,24,994 પેટીએમ વોલેટમાં લઇને વોલેટમાંથી અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતાં. જોકે. ફરિયાદીને જાણ થતાં જ તેમણે ટીમ વ્યુઅર એપ્લીકેશન અન ઇન્સ્ટોલ કરીને એટીએમ કાર્ડ પણ બ્લોક કરાવી દીધુ હતું. અને સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સીટી પોલીસને કરતા પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રકારના અનેક બનાવો સામે આવતા હોવા છતાં પણ લોકોમાં જાણે કે જાગૃતતાનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે.