ગુજરાતના માવઠા બાદ હવે ખાતરની અછતે ખેડૂતની દશા બગાડી: યુરિયાની તંગી

ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (13:40 IST)
ગુજરાતમાં રવી પાકનું વાવેતર જાણે કે ખોરંભે ચડી ગયું છે. અમદાવાદ જિલ્લાની જો વાત કરીએ તો ધંધુકા, ધોલેરા, રાણપૂર અને બરવાળા તાલુકાનાં ૧૩૬ ગામોના ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે આ ખેડૂતોને ખેતી માટે યૂરિયા ખાતર મળતું નથી. જેને કારણે રવીપાકના વાવેતરની કામગીરી સાવ તળિયે બેસી ગઈ છે. એક તરફ ખરીફ પાક માટે ખેડૂતોને અતિવૃષ્ટિ, વાવાઝોડાની અસર, વારંવાર લંબાઈ રહેલી વરસાદની આગાહી આ તમામને કારણે ગુજરાતમાં ખેતી અને ખેડૂતોની દશા બગડી ગઈ છે. રવી સિઝન ચાલુ હોવા છતાં ખેડૂતોનાં ખેતરોમાં ખરીફ પાક હજુ પડયો છે, અમદાવાદ જિલ્લાનાં ધંધુકા તાલુકામાં એપીએમસીમાં આવેલાં સરકાર માન્ય ડેપો છેલ્લાં ૭ દિવસથી યુરિયા ખાતર નથી જેને કારણે દરરોજ સવારે આ ખેડૂતો આવે છે પરંતુ તેમને ફક્ત વાયદો જ મળે છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે યુરિયા ખાતર માટેની અછત શા માટે છે તે અંગે કોઈ જાણકારી મળતી નથી. ધંધુકામાં ૭૦ વિધા જમીન ધરાવતાં અજયસિંહે પોતાના ખેતરમાં ઘઉં અને ચણા વાવ્યા છે, જેની માટે તેમને વધુને વધુ ૭૦૦ કિલો યુરિયા ખાતરની જરૂર છે. પરંતુ હજુ સુધી તેમને ૧૦૦ કિલો પણ યુરિયા ખાતર નથી મળ્યું જેને કારણે તેમનાં ખેતરમાં ઘઉં અને ચણાનો પાક ખાતર વગર નુકશાન પામે તેવી ભીતિ સતાવી રહી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર