જલાલપોરના ભાનુનગરની એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક પુરુષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે ગઈકાલે શુક્રવારે રાત્રે અશ્લીલ વીડિયો અપલોડ કરતાં વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા અને વાલીઓમાં તે શિક્ષક સામે રોષ જોવા મળી રહ્યો છે.નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ભાનુનગરમાં આવેલી એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ 7ના વ્હોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે એડલ્ટ અશ્લીલ વીડિયો મૂક્યો હતો. આ વીડિયો જોઈ એક વિદ્યાર્થિની હેબતાઈ ગઈ હતી અને તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરતાં વાલીએ વહેલી સવારે 4 વાગ્યે આ સમગ્ર મુદ્દે સ્કૂલનાં મહિલા આચાર્યાને જાણ કરી હતી.
ત્યારે આચાર્યાએ આ શિક્ષકને ફોન કરતાં તેણે મેં કંઈપણ પોસ્ટ નથી કર્યું, એમ કહી જીભાજોડી કરી હતી અને ફોન પછી શિક્ષકે એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.
ધોરણ 7ના શૈક્ષણિક ગ્રુપમાં અશ્લીલ વીડિયો શિક્ષકે મૂકતાં એક શિક્ષકની ગરિમા તો લજવાઇ છે, પરંતુ આ સમગ્ર મુદ્દે જિલ્લાના શિક્ષણ વિભાગે પણ શાળા પાસેથી જવાબ માગ્યો છે. શાળા અને વાલીઓએ આવા શિક્ષક વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.શાળાનાં આચાર્યાએ જણાવ્યું હતું કે આ શિક્ષકને 15 દિવસ પહેલાં જ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. શિક્ષક શાળામાં કામગીરીમાં અનિયમિત હતો અને બાળકોને શિક્ષણ પણ યોગ્ય રીતે ન આપતો હોવાથી શાળાના મેનેજમેન્ટ દ્વારા તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારે તેણે આ કૃત્ય બદલાની ભાવના સાથે કર્યું હોવાની શક્યતા શાળા માની રહ્યું છે.