બહુચર્તિત હની ટ્રૅપ પ્રકરણમાં પદ્મિનીબા વાળાની જામીન પર છૂટ્યાં

સોમવાર, 21 એપ્રિલ 2025 (15:22 IST)
રાજકોટ ખાતે 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાના અને રૂપિયા મેળવવા માટે ધમકી આપવાની ફરિયાદને આધારે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચામાં રહેલાં પદ્મિનીબા વાળાની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
 
ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ડામોર સાથે બિપીન ટંકારિયાની થયેલી વાતચીત મુજબ આ મામલે પકડાયેલા તમામ ચાર આરોપીને જામીન પર છોડવામાં આવ્યા છે. ગોંડલની સ્થાનિક કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા.
 
આ કેસમાં કુલ પાંચ આરોપી હતા અને પોલીસે ચારની ધરપકડ કરી હતી જ્યારે કે એક આરોપી કે જે મહિલા છે તેની ધરપકડ બાકી છે.
 
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાની અને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ હતી.
 
ગોંડલની 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે "એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી હતી, વીડિયો-કૉલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી હતી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીએ તેમને ધમકાવ્યાં હતાં, જેમાં પદ્મિનીબા અને તેમના સાથીદારો પણ સામેલ હતાં."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર