અમદાવાદમાં પદ્માવત માટે થિયેટરો પોલીસ છાવણીમાં ફેરવાયા
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (11:58 IST)
પદ્માવત ફિલ્મને નિહાળવા આતુર લોકો હવે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. આ વિવાદાસ્પદ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ગુજરાતમાં પણ આ ફિલ્મ સામે જોરદાર વિરોધ ચાલુ છે, ત્યારે અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે આ ફિલ્મ રિલીઝ થશે. શહેરમાં જે થિયેટરોમાં આ ફિલ્મ બતાવાશે તે થિયેટરોમાં અત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.
અમદાવાદમાં સાત જેટલા મલ્ટિપ્લેક્સમાં પદ્માવત બતાવાશે. ત્રણ અન્ય થિયેટરોએ પણ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવાની તૈયારી બતાવી છે, અને તેમને પણ પોલીસ પ્રોટેક્શન આપવમાં આવ્યું છે. કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનો ફિલ્મ રિલીઝ થઈ તો હિંસા પર ઉતરી આવવાની ધમકી આપી રહ્યા છે, ત્યારે આ 25મીએ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી પોલીસ માટે પણ ચેલેન્જિંગ બની રહેશે. જોકે, પોલીસ તેના માટે અત્યારથી જ સજ્જ બની ગઈ છે.રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે, પોલીસના ધ્યાને આવ્યું છે કે, કેટલાક તોફાની તત્વો કરણી સેનાના નામે તોડફોડ કરી રહ્યા છે. અમદાવાદના જે થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થવાની છે તેને અમે પ્રોટેક્શન આપવાનું આશ્વાસન આપ્યું છે, અને પોલીસનો કાફલો કોઈ પણ અનિચ્છનિય સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ થિયેટરો પર ખડકી દેવાયો છે.પ્રમોદ કુમારે એમ પણ કહ્યું હતું કે, રાજ્યના અન્ય ભાગોમાં પણ ફિલ્મ રજૂ થવાની શક્યતા હતી. ફિલ્મના વિરોધમાં થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જેમાં તોફાની તત્વો સામે કલ્પેબલ હોમિસાઈડ હેઠળ ગુનો નોંધવામાં આવશે, જેમાં ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે.