ક્ષમાના સોલોગામી લગ્નનો વિરોધ થતાં ઉભી થઇ અડચણો, કહ્યું હિન્દુ ધર્મની વિરુદ્ધ છે

શુક્રવાર, 3 જૂન 2022 (18:58 IST)
ગત બે દિવસથી વડોદરાની ક્ષમા બિંદુ સતત સમાચારોમાં છવાયેલી છે. તેનું કારણ છે તે એક અનોખા લગ્ન કરવા જઇ રહી છે. આ લગ્ન તે પોતાની સાથે જ કરશે. હા સાચું સાંભળ્યું. આવા પ્રકારના લગ્ન સોલોગામી તરીકે પણ જાણીતા છે. ક્ષમા આત્મવિવાહ કરવાની હોવાથી દેશભરમાં ચર્ચામાં છે. વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરીને આખા દેશને ચોંકાવી દીધા છે. દેશનો આ પહેલો કિસ્સો છે.
 
ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવાની છે ત્યારે શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ લગ્નનો વિરોધ કર્યો હોવાથી દેશના આ પહેલા સેલ્ફ વિવાહમાં વિધ્ન આવ્યુ છે. જે મંદિરમાં લગ્ન થવાના હતા તે મંદિરના મેનેજમેન્ટ સાથે વાત કરી સુનિતાબેન શુક્લએ લગ્ન સ્થળ રદ કરાવ્યું છે. સુનિતા શુક્લનો આરોપ મૂક્યો કે, ક્ષમા બિંદુએ મંદિરમાં કુંભ લગ્ન કરવાના છે તેવી વાત કરી હતી. જ્યારે મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વિપરીત વાત કરી વડોદરામાં યુવતી ક્ષમા બિંદુએ પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરી છે. 
 
તેમણે આ લગ્નનો વિરોધ કરતા જણાવ્યુ કે, ક્ષમાએ લગ્ન માટે જે જગ્યા પસંદ કરી છે તે યોગ્ય નછી. હું કોઈ પણ મંદિરમાં તેના લગ્ન નહિ થવા દઉં. આ પ્રકારના લગ્ન હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. આ યુવતી વિકૃત માનસિકતા ધરાવે છે. વડોદરા સંસ્કારની નગરી તરીક ઓળખાય છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી સંસ્કારની નગરી કલંકિત થાય છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદૂ નામની છોકરી અનોખી રીતે લગ્ન કરવા જઈ રહી છે. તેમાં કોઈ વરરાજા નહી હોય પરંતુ આ લગ્નમાં તમામ પરંપરાગત અનુષ્ઠાન થશે. ક્ષમા પોતાને સિંદૂર પણ લગાવશે. ક્ષમા લગ્ન બાદ હનીમૂન પર પણ જવાની છે. તે બે અઠવાડિયા માટે ગોવા જઈ રહી છે. બસ આ લગ્નમાં વરરાજા અને જાન નહીં હોય. પરંતુ ક્ષમા બિદુના આ પ્રકારના લગ્નનો વિરોધ થઈ રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર