૯મી ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન : વિજય રૂપાણી રાજપીપળાથી કરાવશે શુભારંભ

રવિવાર, 8 ઑગસ્ટ 2021 (12:35 IST)
૯મી ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવશે
 
રાજ્યની પારદર્શક અને નિર્ણાયક સરકાર દ્વારા ખુબ જ સંવેદનશીલતા સાથે સર્વસમાવેશક સમતોલ વિકાસ કાર્યો કરીને જ્ઞાતી-જાતિલક્ષી વિકાસના સિમાડાઓને રાજ્યમાંથી ઉખાડી બતાવ્યા છે. રાજ્યના અંતરિયાળ તથા સાવ છેવાડાના વિસ્તારોમાં પણ મહાનગરોની માફક જ અનેક વિકાસ પ્રોજેક્ટ્સ મુકીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ગુજરાત મોડેલને સ્માર્ટ સ્ટેટ બનાવવાની દિશા તરફ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યાં છે જેના પરિણામે ગુજરાત આજે દેશનું રોલમોડલ પૂરવાર થઈ રહ્યું છે. 
 
અંબાજી થી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૪ હજાર કરતાં વધારે ગામડાઓમાં ૯૦ લાખ જેટલાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. આ સમાજના સર્વાંગી વિકાસ માટે ત્તકાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સબકા સાથ, સબ કા વિકાસ’ના સૂત્રને સાર્થક કરવા તેમણે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં આદીવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે સગવડો માટેના કામો થયા છે અને આ જ યોજનાને આગળ ધપાવી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ની જાહેરાત કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ।. ૧ લાખ કરોડની ફાળવણી કરી છે. 
 
જે અંતર્ગત નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવશે. છેલ્લા ૧૩ વર્ષમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ।. ૯૭ હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવી છે. જે થકી રાજયના આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા છે. 
 
વનબંધુઓના ડેવલપમેન્ટમાં રાજ્ય સરકારનું સવિશેષ ઇન્વોલ્વમેન્ટ રહ્યુ છે. આદિજાતિ વિસ્તારોમાં વનબંધુઓના વિકાસ માટે રાજ્ય સરકારની કટિબધ્ધતા અને પ્રતિબધ્ધતાનો આમ જનતાને પણ અહેસાસ થઇ રહ્યો છે. જ્યાં પહેલા રસ્તા, પાણી, શૌચાલય, બસ સેવા, શિક્ષણ કે આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓના પણ અનેક પ્રશ્નો હતા ત્યાં હવે ગુણવત્તાયુક્ત રસ્તા, ઘરે-ઘરે નળ અને તે નળમાં શુધ્ધ પાણી, આધુનિક બસ સુવિધાઓ, શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ અને અત્યાઆધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબિબોથી સજ્જ સરકારી હોસ્પિટલો પણ સામાન્ય બાબત થઇ ગઇ છે. 
 
એટલું જ નહિ, દેશભરમાં વનબંધુઓને તેમની જમીનની માલિકીના હક્કો પુરા પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે અને તેમની સનદો સૌથી વધુ ગુજરાતે આપીને રાજ્યના વનબંધુઓના સર્વાંગી વિકાસનો નવો રાહ ચિંધ્યો છે. વનબંધુહિતલક્ષી દિર્ઘદ્રષ્ટીપુર્ણ તૈયાર કરવામાં આવેલી યોજનાઓની સાથોસાથ છેવાડાના લાભાર્થી સુધી તે યોજનાનો લાભ મળે તેનુ રીયલ ટાઇમ ફોલોઅપ અને સમયબધ્ધ આયોજનને કારણે રાજ્ય આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક-સામાજિક વિકાસની પ્રક્રિયા ખુબ ઝડપી બની છે.
 
આદિવાસી બાંધવોનું કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં અને તમામ બાળકોને પાચાનું શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓને 
ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્યભરમાં ટેકનોલોજીથી સજજ ૩૪ એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત છે. જેમાં ડિજિટલ બોર્ડ, ઓવરહેડ પ્રોજેકશન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથે આધુનિક શિક્ષણની સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે  અને આદિવાસી બાળકોને વર્લ્ડ ક્લાસ અધતન સવલતો સાથે અભ્યાસની તક પૂરી પાડી છે. સાથે સાથે ૭૬૫ જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એક્લવ્ય શાળાઓના ૧ લાખ ૩૫ હજાર વિધાર્થીઓને રહેવા, જમવા તથા અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. 
 
આદિવાસી સંસ્કૃતિના ભવ્ય વારસાને દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવા તથા સાંસ્કૃતિક ધરોહરથી લોકો માહિતગાર થાય એ માટે રૂ. ૧૦૩ કરોડના ખર્ચે આદિજાતિ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં રાજયના નર્મદા જીલ્લા “રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું” મ્યુજીયમ ઉભું કરવામાં આવશે. રાષ્ટ્રીય મ્યુઝીયમનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ મ્યુઝીયમના મુખ્ય આકર્ષણોમાં ૩ડી પેનોરમા, ડી ડિસ્પ્લે, લેસર અને કમ્પ્યુટર ટેકનિકથી આદિવાસી સાંસ્કૃતિક વારસો પ્રસ્તુત કરાશે. સાથેસાથે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોની ભવ્ય જીવન ઝાંખીની સહેલાણીઓને જાણકારી પણ ઉપલબ્ધ થશે. ૭૦ એકર જમીનમાં ઊભું થનારું આ મ્યુઝીયમ દેશ અને રાજ્યોની એકતા અને અખંડિતતાને સુપેરે પ્રસ્તુત કરશે. 
 
રાજ્યના આદિવાસી બાંધવોને જમીનનું રક્ષણ મળી રહે અને તેઓ જમીનના માલિક બને એ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક પગલું ભરી તેમને જમીનની માલિકીની સનદો પૂરી પાડી છે. જે અંતર્ગત ૮૮,૮૫૯ જેટલા વ્યક્તિગત દાવાઓ મંજૂર ૧,૩૯,૭૧૦ એકર વન જમીન ઉપર આદિવાસી બાંધવોને અધિકારો પૂરા પાડ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં વન અધિકાર અધિનિયમ હેઠળ ૧૪ જિલ્લાના અંદાજીત ૯૬ હજારથી વધુ આદિવાસીઓને વ્યક્તિગત અને સામૂદાયિક જમીની દાવા મંજૂર કરવામાં આવ્યા છે. 
 
વન અધિકાર અધિનિયમ હેઠળ ૧૩ લાખ એકર કરતાં વધુ જંગલની જમીનના આદિવાસીઓને લાભ મળ્યો છે. રાજ્યના આદિવાસી બાંધવોના સર્વાંગી અને આર્થિક ઉત્થાન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેસા એક્ટની ચુસ્તપણે અમલવારી કરી છે. પેસા એક્ટનો અસરકારક અમલ અને જંગલ ખેડે એની જમીનના નિર્ણયથી લાખો આદિવાસીઓ જમીનના માલીક બન્યા છે તથા આદિવાસીઓને જમીન, વન્ય પેદાશના પણ હક્કો મળ્યા છે. જેના પરિણામે ૯૦ લાખથી વધુ આદિવાસીઓને આર્થિક લાભ થયો છે. વર્ષ ૨૦૧૭માં લીધેલા પેસા એક્ટના કડક અમલીકરણના નિર્ણયથી આદિવાસી બાંધવોના ઉત્કર્ષને નવો આયામ મળ્યો છે. વનબંધુઓને ગામના વિકાસને લગતી યોજનાઓની મંજૂરી આપવાનો અને વિકાસના નિર્ણયો સ્થાનિક કક્ષાએથી જ કરવાના વિશેષ અધિકાર પ્રાપ્ત થયો છે. 
 
રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં “ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી” સ્થાપવાનો નિર્ણય કરેલ છે. આ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ રાજયના આદિજાતિ સમુદાયના વિધાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂં પાડવા, રોજગારક્ષમ ટેકનીકલ ડીપ્લોમા, સર્ટીફીકેટ કોર્સ જેમાં  આદિજાતિ વિસ્તારના રોજગાર ક્ષેત્રોને કાર્યક્ષમ બનાવવા ડેરી અને ડેરી આધારિત ઉધોગ, કૃષિ-વન આધારિત કુશળતાઓનો વિકાસ, વિજ્ઞાન, ટેકનીકલ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમોમાં વિભાગો શરૂ કરવામાં આવશે. બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં જીતનગર ગામનાં ૧૬ હેકટર જેટલી જમીન રાજય સરકારે ફાળવણી કરી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારને વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી પરિવારોનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ થાય તે માટે નવી વ્યાવસ્થા અને આયોજનપૂર્વકના પ્રયાસોના પરિણામે ગુજરાતની વિકાસયાત્રામાં આદિવાસી બાંધવો સક્રિય ભાગીદાર બન્યાં છે. રાજ્ય સરકારે આદિવાસીઓના સમગ્રત્તયા વિકાસનો અભિગમ અપનાવી ગુણવત્તાસભર શિક્ષણ, કૌશલ્યવર્ધન સાથે રોજગારી તથા આરોગ્યની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આદિવાસી બહેનો પણ શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે.
 
અનુ.જનજાતિના વિધાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ તથા ટેકનિકલ ડિપ્લોમાના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક સાધનો ખરીદવા ૮,૬૧૩ વિધાર્થીઓને રૂા.૩.૧૩કરોડની સાધન સહાય. મેડિકલ અને ઈજનેર પ્રવેશ પરીક્ષા માટેના ખાસ કોચિંગ યોજના દ્વારા રાજયના ૧૫ આદિજાતિ જિલ્લામાં NEET, GUJCET અને JEE અંગેના કોચિંગ માટેના વિના મૂલ્યે ૧૧૦થી વધુ કોચિંગ સેન્ટર કાર્યરત : તાલીમ મેળવેલ ૨૨,૩૭૩ વિધાર્થીઓ પૈકી ૩,૪૫૩ વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.
 
આદિવાસી બાંધવોને બંધારણીય હક્કો મળી રહે તે માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને સાચા લાભાર્થી સરકારી યોજનાના લાભોથી વંચિત ના રહે તે માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ પછાત વર્ગના જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો મેળવનાર સામે સરકારની લાલ આંખ કરીને કડક હાથે કામગીરી હાથ ધરી છે. રાજ્યના અંતરિયાળ આદિવાસી વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે મહત્ત્વપૂર્ણ છ યોજનાઓ રૂ.૧૭૦૦ કરોડના ખર્ચે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. જેનો સીધો લાભ ૮૨૮ આદિવાસી ગામો અને ચાર શહેરોને મળશે.
 
રાજયમાં સિકલસેલ એનિમિયાના રોગ નિયંત્રણ અને ઉપચાર માટે ૮૮ લાખથી વધુ આદિજાતિ લોકોની ચકાસણી ૨૯,૦૦૦ જેટલા આ રોગના દર્દીઓને દર માસે રૂ.૫૦૦ લેખે નાણાકીય તબીબી સહાય. સુરત, વલસાડ, નવસારી, વડોદરા અને અમદાવાદ ખાતે સારવારની વિશેષ સુવિધાવાળા અલગ વોર્ડની રચના. આમ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓના માધ્યમ દ્વારા આદિવાસી બાંધવોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક વિકાસ માટે છેલ્લાં પાંચ વર્ષના સુશાસનમાં અનેકવિધ નવતર આયામો હાથ ધર્યાં છે. જેના સુભગ પરિણામો આજે આપણે જોઈ રહ્યાં છીએ. 
 
રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ – સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને  વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા(નર્મદા)થી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.
 
વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂ. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર