સીએમ વિજય રૂપાણીનો 65મો જન્મદિવસ, વજુભાઈ વાળાને વંદન કરીને આશીર્વાદ લીધા

સોમવાર, 2 ઑગસ્ટ 2021 (10:27 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. ત્યારે આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. તેઓએ દિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા અને  કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી આશીર્વાદ મેળવી કરી હતી.  વિજય રૂપાણી વજુભાઈવાળાને પગે લાગ્યા હતા. વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મ દિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. 
2022માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે
વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત બાદ વજુભાઈ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિજયભાઇ રૂપાણી નીડર નેતા છે. મેં તેમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે. જે જવાબદારી વિજયભાઇને સોંપવામાં આવે તે કામરીગી કરે છે. કોઇનો મારે સફાયો કરવો નથી, મારે ભાજપને આગળ વધારવું છે. ભાજપ સંગઠનના મહામંત્રી બદલવાના મામલે વજુભાએ જણાવ્યું હતું કે, સંઘ પોતાના આયોજન મુજબ કામ કરતું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ રત્નાકરજીને કારભાર સોંપવામાં આવ્યો છે. 
વિજય રૂપાણીએ વજુભાઈને ખબર અંતર પૂછ્યા
ઉલ્લેખનીય છે કે વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિવૃત્ત થઇને પોતાના ઘરે રાજકોટ આવ્યા પછી આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. આથી તેઓ ઘણા સમયથી ઘરે જ આરમા કરી રહ્યાં હતા. આજે વિજય રૂપાણીએ તેમના માર્ગદર્શક વજુભાઈના ઘરે રાજકોટ શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ હાજર રહ્યાં હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર