વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પાટીદારોને OBCમાં જોડવા અંગે કહ્યું હતું કે, ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો OBCમાં જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો OBCમાં જોડાવાપાત્ર હશે ત્યારે તેનો સરવે કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો નિયમ મુજબ તેનો સરવે કરવામાં આવશે. રાજ્ય સરકાર પાસે હાલમાં કોઈપણ જ્ઞાતિની OBCમાં જોડાવાની માંગ આવી નથી.
તેમણે ફોર્ડ કંપનીની કારનું ઉત્પાદન બંધ થવા મુદ્દે કહ્યું હતું કે, અન્ય મોટરકારનું વેચાણ ફોર્ડની કાર કરતાં ઓછું છે. ફોર્ડ મોટી અને પ્રતિષ્ઠિત કંપની છે. ફોર્ડનો પત્ર અમને મળ્યો છે. કંપનીએ સરકારનો સહકાર આપવા બદલ આભાર પણ માન્યો છે. ફોર્ડ કંપની સંપૂર્ણ બંધ થવાની નથી. માત્ર તેની કારનું ઉત્પાદન બંધ થવાનું છે. એન્જિન બનાવવાની કામગીરી સહિત અન્ય સ્પેરપાર્ટ્સ બનાવવાનું કામ કંપનીમાં ચાલુ રખાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય કોઈ કંપની આ પ્લાન્ટ ખરીદશે તેવી આશા છે. વર્ષે પાંચ લાખથી વધુ કારનું ઉત્પાદન થતું હોય છે. રાજ્યમાં અન્ય મોટરકાર ઉત્પાદકો આવી રહ્યાં છે અને તેનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. ગુજરાત સરકારને તાલિબાન સાથે સરખાવતી વિપક્ષના નેતાની ટ્વિટ મામલે પણ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. પરેશ ધાનાણીએ ટ્વિટ કરી હતી કે,અંગ્રેજોના શાસનમાં પણ આંદોલનનો અધિકાર અબાધિત હતો. ગુજરાતના આ આધુનિક તાલિબાનોએ તો 20 વર્ષ પહેલાં જ આંદોલન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ પર જ અફઘાનિ તાલિબાનો આગળ વધી રહ્યાં છે? આ ટ્વિટ મામલે નીતિન પટેલે કહ્યું હતું કે, આજના દિવસે કોંગ્રેસના નેતાઓ તાલિબાનને જ યાદ કરી શકે. ભારતની વિદેશ અને સંરક્ષણ નીતિ સાથે દેશને આગળ વધારવો એજ નિશ્ચય છે. નીતિન પટેલે કહ્યું હતું કે, 9/11ની વરસીએ તાલિબનોને યાદ કરવાની જરૂર નથી. પરેશભાઈના આ નિવેદનને હું વખોડી નાંખું છું.