Night Curfew In Four Metros - ચૂંટણીનું બ્યૂગલ વાગતાં જ કર્ફ્યૂમાંથી મળી શકે છે મુક્તિ, માસ્કનો દંડ પણ ઘટશે!!!

ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (09:54 IST)
એક તરફ દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. વેક્સીન આપવાનાની શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેથી હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે.
 
હાલમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી રહી છે. જોકે તેમછતાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્ફ્યૂમાં મુક્તિના સંકેત આપ્યા છે. 
 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકામાં મોડી રાત સુધી ચૂંટણી પ્રચાર કરી શકાય એ માટે રાત્રિ કર્ફ્યુમાં મોટાપાયે છૂટછાટ કે કર્ફ્યુ દૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસના આંકડા પણ સતત ઘટી રહ્યા છે તેને આગળ કરીને ગૃહ વિભાગ દ્વારા તેના આધારે ચાર મહાનગરપાલિકામાંથી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવા સુધીના નિર્ણય લઇ શકાશે. 
 
જો રાત્રે કફર્યુ યથાવત રહે તો મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામે નહીં. રાત્રિ કર્ફ્યુ દૂર કરવામાં આવે તો રાત્રિના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય.  ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ અને કાર્યકરો ચાર મહાનગરમાંથી રાત્રિ કર્ફ્યુમાં ઘટાડો કરવા કે હટાવી લેવા માટેની લાગણી હાઈ કમાન્ડ સુધી વ્યક્ત કરી ચૂક્યા છે.
 
આ ઉપરાંત માસ્કના દંડની રકમમાં ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે.
 
રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કમિટી નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર