અમદાવાદના ઠક્કરબાપાનગરમાં ભાજપના કોર્પોરેટરે મત માંગવા આવવુ નહીં તેવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં ફરતા થયાં

બુધવાર, 27 જાન્યુઆરી 2021 (16:30 IST)
આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયાં છે. એક તરફ ભાજપના સંગઠનમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી બાજુ ભાજપના ઘણા કોર્પોરેટરોનો શહેરમાં વિરોધ થઈ રહ્યો છે. શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો વિરોધ કરવામા આવ્યો છે. મહિલા કોર્પોરેટર વિરૂદ્ધ ઠેરઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરો ફરતાં થયાં છે. કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી, ગુનાખોરીનો વિનાશ વેરનારા મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીં.ચૂંટણી આવી એટલે અમારા મહિલા કોર્પોરેટર દેખાશે ત્યારબાદ ચૂંટણી પછી ખોવાઈ જશે. આ પ્રકારનું લખાણ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે. આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા આવી જાય છે. પરંતુ વિસ્તારની તકલીફોના નિકાલ લાવવાની રજુઆત માટે જ્યારે તેમની પાસે જઈએ તો તેમનું વર્તન સાવ અલગ જ હોય છે. એક મહિલાએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં અને ખાસ કરીને આ વિસ્તારમાં જે મહિલા કોર્પોરેટર છે એમણે ફરીવાર મત માગવા માટે આવવું નહીં. અમારા વિસ્તારમાં રોડ પર ખાડા પડી ગયાં છે. ગંદકીનું પ્રમાણ વધી ગયું છે અને સૌથી મોટી તકલીફ ગુનાખોરી વધી છે. અમે અનેક વખત અમારા વિસ્તારના કોર્પોરેટર પાસે જઈને આ બાબાતે રજુઆત કરી છે પરંતુ તેમણે આજ સુધી કોઈ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો નથી. તેમની પાસે જ્યારે પણ રજુઆત કરવા જઈએ છીએ ત્યારે તેઓ અમને ઓળખતા જ નથી અને એક એક કરીને રજુઆત કરવા આવજો એમ કહે છે. કોરોના કાળમાં આજ દિન સુધી કોર્પોરેટર અરુણાબેન શાહે અમારા વિસ્તારની મુલાકાત સુદ્ધાં લીધી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર