અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરી નફો અપાવવાની લાલચે મિત્રો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી

બુધવાર, 27 જાન્યુઆરી 2021 (16:27 IST)
અમદાવાદમાં પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પાસે આવેલી મેડુસીન કંપનીનો કર્મચારીએ શેર બજારમાં રોકાણ કરી નફો અપાવવાની લાલચે મિત્રો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. સાથે કામ કરતા મિત્રોના ક્રેડિટ કાર્ડ લઈ પોતાના એક મિત્રની દુકાન પર કાર્ડ ઘસી પૈસા ઉપાડી લેતો હતો. પૈસા પરત ન આપતા સાથી કર્મચારીએ તેના વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીએ અત્યાર સુધીમાં 35 લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લીધા છે.અમરાઈવાડીના પ્રગતિનગર ખાતે રહેતા અને મકરબા વિસ્તારમાં આવેલી મેડુસીન કંપનીમાં ફરજ બજાવતા પ્રજ્ઞેશ પરમાર સાથે ઘનશ્યામ નામનો વ્યક્તિ નોકરી કરતો હતો. ઘનશ્યામએ પ્રજ્ઞેશને જણાવ્યું હતું કે, તે તેનું અને તેના મિત્રોનું ક્રેડિટ કાર્ડ નારોલ ખાતે કરિયાણાની દુકાન ચલાવતા મિત્ર રાહુલ શર્માના ત્યાં ઘસે છે. જે કાર્ડ પેટે મળતી રોકડ રકમમાંથી રાહુલ શર્માનું કમિશન આપી બાકીની રકમ તે શેર બજાર અને ફોરેક્ષ બજારમાં રોકી તેમાંથી સારો નફો કમાય છે. તમે પણ આમ કરો તો સારો એવો નફો કમાવી આપીશ. ઘનશ્યામની લાલચુ વાતોમાં આવી નફો કમાવવા માટે પ્રજ્ઞેશે ઘનશ્યામને ડિસેમ્બર-2020માં બે બેન્કના પોતાના ક્રેડિટ કાર્ડ આપ્યા હતાં.આ ઘનશ્યામએ રાહુલ શર્માની દુકાને સ્વાઈપ કરી રૂ.2.25 લાખની રકમ લીધી હતી. જ્યારે પ્રજ્ઞેશને સામે રૂ.1.50 લાખનો ચેક આપી બાકીની રકમ રોકડ આપવાની ખાતરી આપી હતી. આરોપી ઘનશ્યામે સમય જતાં પ્રજ્ઞેશને કોઈ રોકડ આપી ન હતી. આ ઉપરાંત ચેક ખાતામાં નાંખતા તેના ખાતામાં બેલેન્સ પણ ન હતું. મેડુસીન સોલ્યુશન કંપનીના અન્ય કર્મચારી ધ્રુવ જગદીશ પરમાર, રાહુલ પ્રકાશ જોષી, પારસ મહેશ પટેલ અને રવિન્દ્ર ચૈલ્યાભાઈ નાડર સહિત 35 જેટલા કર્મચારીઓ સાથે લાખોની છેતરપીંડી આચરી હોવાની જાણ થતા પ્રજ્ઞેશે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ અને રાહુલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર