પોલીસે અમદાવાદમાં મજુરો માટે તથા ફસાયેલા 300 મુસાફરોને જમવા માટે ખીચડીની વ્યવસ્થા કરી

મંગળવાર, 18 મે 2021 (23:30 IST)
અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે.આ દરમિયાન થયેલા વરસાદમાં શહેરમા ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ક્યાંક ઝાડ પડી ગયાં છે તો ક્યાંક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. શહેરમાં મોટા હોર્ડિંગ્સ પણ ધરાશાહી થયાં છે. આ સ્થિતિમાં પોલીસની કામગીરી કાબિલેદાદ છે. શહેરમાં આવેલા વાવાઝોડાને લીધે GIDC વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ગારુડી ટેકરા પર રહેતા મજુર વર્ગના માણસોના છાપરાને નુકસાન થતાં પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને 150 જેટલા માણસો માટે વટવા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન મારફતે જમવા તથા રહેવાની વ્યવસ્થા કરી હતી. બીજી તરફ વાવાઝોડાને પગલે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. શહેરમાં ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે ફસાયેલા પ્રવાસીઓ માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI અજયકુમાર પાંડવે જમવાની વ્યવસ્થા કરી હતી. તેમણે એસટી સ્ટેન્ડ ખાતે વાહનની રાહ જોઈને ઉભેલા 300થી વધુ પ્રવાસીઓ માટે ખીચડી અને પાણીની બોટલની વ્યવસ્થા કરીને પોલીસની હૃદયસ્પર્શી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

શહેરમાં વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાહી થતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. તે ઉપરાંત રસ્તા પણ બ્લોક થઈ ગયાં હતાં. ત્યારે સોલા વિસ્તારમાં વાવાઝોડાને કારણે ધરાશાહી થયેલા વૃક્ષોથી રસ્તા બંધ થઈ ગયાં હતાં. જ્યાં સોલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા તૂટેલા વૃક્ષો હટાવવામાં આવ્યાં હતાં અને ટ્રાફિક માટે બ્લોક થયેલા રસ્તા વાહન ચાલકો માટે ખુલ્લા કરી દેવામાં આવ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર