ભાજપના સત્તાધિશોની બુદ્ધિને સુધારવા કોંગ્રેસે હવન કર્યો, પોલીસે અટકાયત કરી
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (15:38 IST)
રાજકોટમાં પડેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે શહેરના દરેક વોર્ડમાં કોંગ્રેસે હેલમેટ પહેરી હવન કરી સત્તાધારી પક્ષને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાથના સાથે જ ચક્કાજામ કરી કોંગ્રેસનાં કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત કોંગી કોર્પોરેટર સહિતના કાર્યકરો જોડાયા હતા. જ્યારે પોલીસે ટીંગાટોળી કરીને અશોક ડાંગર સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.
વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠીયાએ કહ્યું કે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબ જ લાપરવાહી દાખવી છે. ભાજપના શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પબ્લીસીટી સ્ટંટ કરવામાં માહિર છે. પ્રજાની સમસ્યાઓનો તાત્કાલિક હલ આવે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર વોર્ડ વાઈઝ ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશ્નરને સદબુદ્ધી આપે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમ્યાન ઉગ્ર વિરોધ બાદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતનાની પોલીસે અટકાયત કરી હતી.