ગુજરાતમાં સીંગલ-યુઝ પ્લાસ્ટીકના ઉત્પાદન-વેચાણ પર જ પ્રતિબંધની તૈયારી
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (13:08 IST)
પ્લાસ્ટીકમાંથી મુક્તિ માયે અભિયાન છેડવામાં આવ્યુ છે અને આગામી બીજી ઓકટોબરથી અનેકવિધ નવા ઉપાયો જાહેર થવાના સંકેત છે ત્યારે ગુજરાત સરકાર પણ મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ- બીજી ઓકટોબરથી મોટાપાયે ઝુંબેશ શરૂ કરશે. પ્લાસ્ટીકના ઉત્પાદન તથા વેચાણ પર જ પ્રતિબંધ મુકવામાં આવે તેવા નિર્દેશ છે.
ગુજરાત સરકારની કેબીનેટ બેઠકમાં પ્લાસ્ટીક સામે અભિયાન છેડવા માટેના મુદે ચર્ચા કરવામાં આવી હતી. પ્લાસ્ટીકના ઉત્પાદન, વપરાશ અનેવેચાણને નિયંત્રીત કરવા માટે સર્વગ્રાહી નીતિ ઘડવાનું નકકી કરવામાં આવ્યું હતું. શહેરીતંત્રોને પ્લાસ્ટીકના વપરાશ પર તૂટી પડવા માટે સૂચના આપવામાં આવી છે. સીંગલ યુઝ પ્લાસ્ટીકનું ઉત્પાદન બંધ કરવા માટે ઉત્પાદકો સાથે પરામર્શ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સીંગલ યુઝ પ્લાસ્ટીકનું દેશભરમાં સૌથી મોટુ ઉત્પાદન કરતુ રાજય ગુજરાત છે. રાજય સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રાફીક નિયમોની જેમ પ્લાસ્ટીક સામે પણ મોટી ઝુંબેશ ઉપાડવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. પ્લાસ્ટીક મુક્તિ માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીડુ ઝડપ્યુ છે. ગુજરાતમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉત્પાદન અને વેચાણ પર જ રોક લગાવી દેવામાં આવશે. પ્લાસ્ટીકના દૂષણ સામે સંયુક્ત અભિયાન ચલાવવા માટે શહેરી વિકાસ, વન-પર્યાવરણ તથા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓને સંકલીત એકશન પ્લાન ઘડવાની સૂચના આપવામાં આવી છે. રાજય સરકારે શ્રેણીબદ્ધ પગલા અંતર્ગત શહેરોમાં તંત્રને પ્લાસ્ટીક કલેકશન કેન્દ્રો સ્થાપવાની સૂચના આપી છે. એકત્રીત થનાર પ્લાસ્ટીકનો કચરો માર્ગ બાંધકામમાં વપરાશે અથવા રીસાયકલીંગ માટે મોકલવામાં આવશે. રાજયભરની મહાનગરપાલિકાઓ તથા સતામંડળોને સ્વચ્છતા એ જ સેવાના સૂત્ર હેઠળ પ્લાસ્ટીક સામે ઝુંબેશ શરૂ કરવા કહેવામાં આવ્યું છે. નવા પ્લાસ્ટીક નિયમોનું અસરકારક પાલન કરાવવા ખાસ ટીમ તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે. જાહેર સમારોહમાં પ્લાસ્ટીક બોટલ, પ્લેટ તથાક્ધટેનરના ઉપયોગ નહીં થવા દેવાય. ઉપરાંત સરકારી કચેરીઓ, શાળા-કોલેજો-ઔદ્યોગીક એકમો-કંપનીઓ તથા ધાર્મિક સંસ્થાઓને પણ તેમાં જોડાવાનું કહેવામાં આવશે.