પાકિસ્તાનને ઊંઝાથી નિકાસ થતી કેટલીક સામગ્રી મોંઘી પડશે

શનિવાર, 17 ઑગસ્ટ 2019 (15:07 IST)
પાકિસ્તાને ભારત સાથે વેપાર ઉપર પ્રતિબંધ મૂકતા એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝાથી નિકાસ થતા ધાણાં-જીરું, વરિયાળી જેવો મસાલો પાકિસ્તાનમાં મોંઘો થઈ જશે અને ત્યાં મોંઘવારી વધશે! ગુજરાતમાંથી વર્ષે દહાડે રૂ.૫૦૦ કરોડથી વધારે મૂલ્યના ધાણાં, જીરું, હળદર, વરિયાળી, સુવા, અજમો જેવા મસાલાઓ પાકિસ્તાનમાં નિકાસ થતા હતા. ઈસબગુલનું વૉલ્યુમ તો તેથી પણ વધારે હોવાનો અંદાજ છે. ઊંઝા- સિદ્ધપુરના વેપારીઓ દાયકાઓથી કરાચી પોર્ટ અને વાઘા બૉર્ડરથી પાકિસ્તાનના આયાતકારો સાથે વેપાર કરી રહ્યા છે. આ પ્રતિબંધથી પાકિસ્તાન સ્થિત આયાતકારોને વાયા દુબઈ, અફઘાનિસ્તાનના પોર્ટથી વેપાર કરવો પડશે જેના કારણે ડયૂટી, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા તેનું ભારણ પણ છેવટે પાકિસ્તાનના નાગરિકો ઉપર પડશે અને મોંઘવારી વધશે. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ સાથે સંકળાયેલા ઊંઝા માર્કેટયાર્ડમાંથી ગલ્ફ, આફિક્રા, ફારઇસ્ટના દેશો સહિત આપણી આસપાસના તમામ દેશોને ગુજરાતનું જીરું જ સસ્તું પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તુર્કી-એસિરિયાના જીરાનો ભાવ પ્રતિ ટને ૩૬૦૦ ડૉલર છે. જેની સામે ઊંઝાના જીરાનો ભાવ ૨૪૦૦ ડૉલર છે. પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યા પછી ત્યાંના વેપારીઓ વાયા દુબઈ કે અફઘાનિસ્તાનથી ભારતનું જીરુ આયાત કરે તો પણ તુર્કી-સીરિયા કરતા ઓછી પડતર રહેશે, જેના પગલે પાકિસ્તાનમાં મસાલાઓ મોંઘા થઈ જશે અને મોંઘવારી પણ વધશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર