એક બાજુ ગટરનાં ગંદા પાણી ઊભરાયા હોય અને બીજી બાજુ ચારેકોર ગંદકી, મચ્છર-માખી બણબણતાં હોય તેમ છતાંય મીઠાઈ અને નમકીન વગેરેનુ બેરોકટોક ઉત્પાદન કરતાં રસરંજનનાં માલિકોને આખરે મ્યુનિ.હેલ્થ ખાતાએ કાયદો બતાવતાં કારખાનું જ સીલ કરી દીધુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ.તંત્ર એક બાજુ સ્વચ્છતા સર્વેક્ષણમાં એકથી દસ નંબરમાં સ્થાન મેળવવા માટે આખા શહેરમાં નાગરિકોને સ્વચ્છતાનાં પાઠ ભણાવી રહયું છે, ત્યારે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનાં વેપારીઓ જ જાહેર આરોગ્યને હાનિ થાય તેવા વાતાવરણમાં મીઠાઈ અને નમકીન વગેરેનુ ઉત્પાદન કરી રહયાં છે. શહેરનાં પોશ વિસ્તારોમાં મીઠાઈ, નમકીન અને નાસ્તાનાં મોટા શોરૂમ ધરાવતાં જાણીતા વેપારી રસરંજનની ફૂડ ફેક્ટરીમાં ચારેકોર ગંદકી છે તેવી બાતમી મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીને ફોટા સાથે મળી હતી.