હાર્દિક અને લલિત વસોયાની જળસમાધીનો નાટ્યાત્મક રીતે અંત, પોલીસે કરી અટકાયત

શનિવાર, 11 ઑગસ્ટ 2018 (13:16 IST)
ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂખી ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. ધારાસભ્ય લલીતભાઇ વસોયા આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના હતા.

જળસમાધી પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ તરફ જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. હાર્દિક અને વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તમામને જેતપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. હાર્દિક અને વસોયા બન્નેએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ ન કરવા ભાજપના મળતીયાઓ દ્વારા થઇ હતી પૈસાની ઓફર અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અટકાયત બાદ લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક તો મારા સમર્થનમાં આવ્યો છે તો તેની અટકાયત શું કામ કરી? ફરીથી લોકો વચ્ચે આવી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશ અને જરૂર પડ્યે ફરીથી જળસમાધી લઇશ. હાર્દિક અને લલિતભાઇની અટકાયત થતા પોલીસ વેનને રોકવાના સ્થાનિક લોકો દ્વારા પૂરા પ્રયાસ થયા હતા. પોલીસ અને લોકો વચ્ચે થોડુક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અમુક લોકોએ તો પોલીસ વેનના અરીસા તોડી નાંખ્યા હતા અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

હાર્દિક પટેલે અટકાયત બાદ જણાવ્યું હતું કે, હું તો લલિત વસોયાના સમર્થનમાં આવ્યો હતો, રાજકીય ઇશારે મારી અટકાયત કરવામાં આવી છે. 1200 કરોડની ઓફર સામે 22નો વર્ષનો છોકરો નથી ઝુક્યો, જો મારે તોફાન જ કરવું હોય તો બાજુમાં જ ગોંડલ આવેલા રૂપાણીની સભામાં 5 હજાર લોકોને લઇને ગયો હોત તો રૂપાણીને ભાગવાનો વારો આવ્યો હોત.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર