લ્યો બોલો! છેલ્લાં આઠ વર્ષમાં 3 લાખ અમદાવાદીઓને કૂતરાંએ બચકાં ભર્યાં

શનિવાર, 11 ઑગસ્ટ 2018 (12:39 IST)
મેગાસિટી અમદાવાદમાં શ્વાનના કરડવાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૮ વર્ષમાં શહેરમાં ૩,૦૯,૫૯૬ લોકોને શ્વાને કરડી લીધું છે. જેઓને રસી મૂકાવવા પાછળ મ્યુનિ.કોર્પોરેશનને ૨.૩૯ કરોડનો ખર્ચો કર્યો છે. ખસીકરણની ઝૂંબેશ પાછળ પણ કરોડો રૃપિયાનો ધુમાડો કરવા છતાંય શહેરમાં ગંભીર બનેલી આ સમસ્યા ઘટવાને બદલે દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં મ્યુનિ.તંત્રની ઘોર બેદરકારી છતી થવા પામી છે. શહેરીજનોને શ્વાનની રસી મૂકવા પાછળ ૨ કરોડથી વધુનો ખર્ચો, શહેરમાં શ્વાનોનો ત્રાસ અસહ્ય બન્યો વર્ષે ૨૦૧૦માં શહેરમાં શ્વાનના કરડવાના કુલ ૩૦,૭૨૩ બનાવ બન્યા હતા. 

ત્યાર બાદના વર્ષોમાં તેમાં ઉત્તરોત્તર વધારો જ જોવા મળ્યો છે. છેલ્લા વર્ષ ૨૦૧૭માં ૫૭,૪૮૨ કેસ બન્યા હતા. આમ આઠ વર્ષના ગાળામાં ૨૬ હજારથી વધુ કેસનો ઉમેરો જોવા મળ્યો છે. જે દર્શાવે છેકે શહેરમાં શ્વાન કરડવાની બાબત કેટલી હદે ગંભીર બની ચૂકી છે. શહેરમાં ખાસ કરીને મોડી રાત્રે લગભગ તમામ રોડ પરથી શહેરીજનોએ જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. દરેક રોડ, ગલીમાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે. 
જેમાં કેટલીક વાર વાહન અકસ્માતના પણ બનાવ બની જતા હોય છે. શ્વાન કરડવા આવે અને બીકમાં ટુ વ્હિલરની સ્પીડ વધારવા જતા સ્લીપ થવાના કિસ્સામાં વાહનચાલકોના હાથપગ પણ ભાંગી રહ્યા છે. આ અંગે શહેરીજનોની વારંવારની ફરિયાદો છતાંય મ્યુનિ.તંત્ર આ મામલે ઉદાસીન રહેતા શહેરીજનો શ્વાનના ત્રાસથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. વી.એસ હોસ્પિટલમાં જ છેલ્લા આઠ વર્ષમાં ૬૬,૯૦૫ લોકોએ શ્વાનના કરડવાના કેસમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર