ગુજરાતના આ પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ પહેરીને જશો તો નો એન્ટ્રી

ગુરુવાર, 3 મે 2018 (14:17 IST)
જો તમે વડોદરાના જે.પી રોડ ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં જવાનું વિચારી રહ્યાં છો તો તમારે સંપૂર્ણ શરીર ઢંકાઇ જાય તે પ્રકારના કપડાં પહેરવા પડશે. કારણ કે વડોદરાના પોલીસ સ્ટેશનમાં એક વિવાદિત નોટીસ ચિપકાવવામાં આવી છે. આ નોટીસમાં લખવામાં આવ્યું છે કે 'હાફ પેન્ટ પહેરીને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવો નહી.' જેમાં નાગરિકોને કેપ્રી, બરમૂડો પહેરીને પોલીસ સ્ટેશનમાં ન આવવા માટે સૂચના આપવામાં આવી છે. જો તમે આ પ્રકારના વસ્ત્રો પહેરીને પોલીસ સ્ટેશનમાં જશો તો તમને એન્ટ્રી નહી મળે.  આ નોટીસ ફરીયાદીઓ કે અરજીકર્તાઓ માટે લગાવવામાં આવી છે. હાલમાં ગરમી સિઝન ચાલી રહી છે ત્યારે લોકો ગરમીમાં હાફ પેન્ટ પહેરી આવતા હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે મહિલા પોલીસે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ પ્રકારની નોટીસ વિવાદ ઉભો થવાની શક્યતાઓ વધી ગઇ છે.


આ અંગે જે.પી. રોડ પોલી સ્ટેશનના પીએસઆઇ વી.પી. ખેરે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં દરરોજ ઘણા બધા લોકો આવતા હોય છે પરંતુ ગરમીની સિઝનમાં ખાસકરીને પુરૂષો હાફ પેન્ટ પહેરીને આવે છે. અને તે ખુરશીમાં અસભ્ય રીતે બેસે છે, જેના લીધે પોલીસ સ્ટેશનની મહિલાઓ સંકોચ અનુભવે છે. જેને લઇને ઘણી મહિલાઓએ ફરીયાદ કરી હતી, જેને પગલે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે પીએસઅઐ ખેરએ વધુમાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ કેવો વહેવાર કરવો જોઇએ તે લોકોને શીખવું જોઇએ. આ બંને માટે લાગૂ પડે છે. જો કોઇ હાફ પેન્ટ પહેરીને પોલીસ સ્ટેશનમાં આવશે તો અમારો સ્ટાફ તેમને નમ્રતાપૂર્વક પુરતા વસ્ત્રો પહેરીને આવવા માટે જણાવશે. પોલીસ સ્ટેશનમાં શિસ્ત જળવાઇ રહે તે માટે આ નોટીસ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર