ભાજપ વિરૂદ્ધ રણનિતી ઘડી આંદોલનને તેજ કરી રહ્યાં છીએ - હાર્દિક પટેલ

સોમવાર, 30 એપ્રિલ 2018 (14:27 IST)
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની આજે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે. સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરુધ્ધ રણનીતિ ઘડતાં હોવાનું તેણે કહ્યું હતું.  કોર્ટ પરિસરમાં હાર્દિક પટેલે ફરીથી ભાજપીઓ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી આપવાની સાથે સરદારના જન્મસ્થળ કરમસદમાં સરદાર સ્મારકને લઈને ચાલી રહેલા આંદોલન અંગે હાર્દિકે કહ્યું હતું કે, દિલ્હીમાં પણ સરદાર પટેલનું કોઈ સ્મારક નથી ત્યારે સ્મારક બનાવવું જોઈએ. અને અમે આ આંદોલનને સંપૂર્ણ રીતે સપોર્ટ કરી રહ્યાં છીએ.

આ જ સમય છે કે સપોર્ટ કરવો જોઈએ. અત્યારે નહીં કરીએ તો ક્યારે સપોર્ટ કરીશું તેમ વધુમાં જણાવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ જવાનો સામેની ટિપ્પણી બાદ હાર્દિક પટેલ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. જે-તે સમયે હાર્દિકે કહ્યું હતું કે, બે-ચાર પોલીસવાળાઓને મારી નાખે પણ પાટીદારનો દીકરો મરે નહીં. આ કેસમાં હાર્દિક સામે ચાર્જફ્રેમ થયા બાદ આજે પંચોને બોલાવાયા હતાં. પરંતુ તેઓ કોઈક કારણસર હાજર રહી શક્યા નહોતાં.હાર્દિક પટેલ કોર્ટમાં હાજરી આપવા અગાઉ બે દિવસથી સુરતમાં છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર