પાટીદારોને બંધારણીય અનામત મળે તો બધા કોંગ્રેસી પાટીદાર ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર - લલિત વસોયા

સોમવાર, 9 એપ્રિલ 2018 (12:41 IST)
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે રવિવારે સુરતના પ્રવાસે હતા ત્યારે તેમણે પાટીદાર સમાજની બંધારણીય અનામતની માગણીને અંગે એવું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલને પાટીદારો માટે અનામત જોઈતી હોય તો તેણે કેન્દ્રની એનડીએ સરકારને ટેકો આપવો જોઈએ. આઠવલેએ જણાવ્યું કે, હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપીને ભૂલ કરી છે. પાટીદારોને અનામત મામલે તેણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે વાત કરવી જોઈએ. આઠવલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ, ‘પાસ’ તેમજ પાટીદાર સમાજ જો એનડીએને સમર્થન કરે તો અનામત મળી શકે.

આઠવલેના આ નિવેદનના કારણે રાજકીય રીતે ખળભળાટ મચ્યો છે ત્યાં પાટીદાર સમાજના કોંગ્રેસી ધારાસભ્ય અને ‘પાસ’ના પૂર્વ સંયોજક લલિત વસોયાએ એલાન કર્યું છે કે, પાટીદાર સમાજને ભાજપ બંધારણીય અનામત આપવા તૈયાર હોય તો પોતે કોંગ્રેસ છોડીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે. વસોયાએ જણાવ્યું કે, જો ભાજપની સરકાર પાટીદારોને બંધારણીય અનામત આપવા તૈયાર થતી હોય તો, સમગ્ર પાટીદાર સમાજ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે. વસોયાએ જણાવ્યું કે, પોતે સમગ્ર પાટીદાર સમાજ વતી બાહેંધરી આપવા તૈયાર છે કે બંધારણીય અનામત મળતી હોય તો આખો પાટીદાર સમાજ ભાજપના સમર્થનમાં રહેશે. જો કે વસોયાએ એમ પણ ઉમેર્યું કે ભાજપને પાટીદારોને અનામત આપવામાં રસ જ નથી. વસોયાના આ નિવેદનથી વિવાદ ઉભો થાય તેવી સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર